Western Times News

Gujarati News

અમ્ફાન વાવાઝોડાના પગલે ઉભી થયેલ પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીનું સંબોધન

નવી દિલ્હી,  ફરી એકવાર વાવાઝોડાએ ભારતના દરિયા કિનારાના ક્ષેત્રોને, ખાસ કરીને પૂર્વી ક્ષેત્રને અસરગ્રસ્ત કર્યું છે અને તેમાં પણ સૌથી વધુ દુષ્પરિણામ પશ્ચિમ બંગાળના આપણા ભાઈઓ – બહેનોને, પશ્ચિમ બંગાળના નાગરિકોને, અહિયાંની સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

વાવાઝોડાની સંભાવનાઓના કારણે હું સતત તેની સાથે સંલગ્ન તમામ લોકોના સંપર્કમાં હતો. ભારત સરકાર પણ રાજ્ય સરકારની સાથે સતત સંપર્કમાં હતી. વાવાઝોડાથી નુકસાન ઓછામાં ઓછું થાય તેની માટે જે પણ જરૂરી પગલાઓ ભરવા જોઈએ તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સાથે મળીને ભરપુર પ્રયાસો કર્યા. તેમ છતાં લગભગ લગભગ 80 લોકોના જીવ અમે બચાવી ના શક્યા, તેનું અમને બધાને ખૂબ જ દુઃખ છે. જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની પ્રત્યે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમારા બધાની સંવેદનાઓ છે અને આ સંકટની ઘડીમાં અમે તેમની સાથે છીએ.

સંપત્તિનું પણ ઘણું નુકસાન થાય છે- પછી તે કૃષિ હોય, કે પછી ઉર્જા ક્ષેત્ર હોય, ભલે તે ટેલિકોમ્યુનિકેશન હોય કે પછી ઘરો ઉખડી જવાની વાત હોય; અનેક પ્રકારનું, પછી તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હોય કે વેપાર જગત સાથે જોડાયેલ લોકો હોય કે પછી ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો હોય; દરેક વ્યક્તિને નુકસાન થાય જ છે.

આજે મે હવાઈ નિરીક્ષણ કરીને ઝીણવટતાપૂર્વક આ અસરગ્રસ્ત વિસ્તારોને મુખ્યમંત્રીની સાથે રહીને, રાજ્યપાલજીની સાથે રહીને મુલાકાત લીધી છે. અત્યારે રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીજીએ મારી સામે વિસ્તારપૂર્વક જે પણ પ્રાથમિક તપાસ છે તેનું વિવરણ આપ્યું હતું. અમે નક્કી કર્યું છે કે જેટલું બને તેમ જલ્દી વિસ્તારપૂર્વક સર્વે કરવામાં આવે. કૃષિનો હોય, ઉર્જા ક્ષેત્રનો હોય, ટેલીકોમ્યુનિકેશનનો હોય, ઘરોની જે સ્થિતિ છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જે સ્થિતિ છે.

કેન્દ્ર સરકાર તરફથી પણ તાત્કાલિક એક ટીમ આવશે અને તે ટીમ આ બધા જ ક્ષેત્રોમાં સર્વે કરશે અને આપણે સાથે મળીને પુનર્વસન હોય, રીપેરીંગ કામ હોય, પુનઃનિર્માણ હોય; તેની વ્યાપક યોજના બનાવીને બંગાળની આ દુઃખદ ઘડીમાં અમે પુરેપૂરો સાથ આપીશું, સહયોગ આપીશું અને બંગાળ જલ્દીથી જલ્દી ઉભું થઇ જાય, બંગાળ જલ્દીથી જલ્દી ઝડપી ગતિએ આગળ વધે, તેની માટે ભારત સરકાર ખભે ખભો મિલાવીને સાથે કામ કરશે અને જે પણ જરૂરિયાતો હશે તે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભારત સરકારના જે પણ નીતિ નિયમો છે તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરીને પશ્ચિમ બંગાળની મદદમાં અમે ઉભા રહીશું.

અત્યારે તાજેતરમાં જે આ સંકટની ઘડીમાં રાજ્ય સરકારને મુશ્કેલી ના પડે તેની માટે એક એડવાન્સ સહાયતાના રૂપમાં એક હજાર કરોડ રૂપિયાની ભારત સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારોને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને જે લોકોને ઈજા પહોંચી છે તેમને 50 હજાર રૂપિયા સુધીની સહાયતા આપવાની વ્યવસ્થા પણ અમે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી કરીશું.

આખી દુનિયા એક સંકટની સામે લડી રહી છે. ભારત પણ સતત કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ લડી રહ્યું છે. કોરોના વાયરસની લડાઈમાં જીતવાનો મંત્ર અને વાવાઝોડામાં જીતવાનો મંત્ર બંને એકબીજાથી સંપૂર્ણ રીતે વિરુદ્ધ છે.

કોરોના વાયરસ સામે લડવાનો મંત્ર છે- જે જ્યાં છે ત્યાં જ રહે, જરૂરિયાત ના હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ના નીકળે અને જ્યાં પણ જાય ત્યાં બે ગજનું અંતર જાળવીને રાખે, પરંતુ વાવાઝોડાનો મંત્ર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, જેમ બને તેમ જલ્દી સુરક્ષિત સ્થાન પર તમે સ્થળાંતર કરી લો, ત્યાં આગળ પહોંચવાનો પ્રયાસ કરો, તમારું ઘર ખાલી કરી દો; એટલે કે બંને જુદા જુદા પ્રકારની લડાઈઓ એક સાથે પશ્ચિમ બંગાળને લડવી પડી રહી છે.

પરંતુ તેમ છતાં પણ મમતાજીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ભરપુર પ્રયાસો કર્યા છે. ભારત સરકારે પણ સતત તેમની સાથે રહીને આ સંકટની ઘડીમાં જે પણ જરૂરી અને આગોતરા પ્રયાસો કરવાની જરૂર હતી, જે તે સમયે જે કરવું જરૂરી હતું અને જે આવનારા દિવસોમાં પણ કરવાની જરૂર હશે તેને પણ પૂરું કરવાનો અમે પ્રયાસ કરીશું.

આજે સમગ્ર દેશને જેમની માટે ગૌરવ છે તેવા રાજા રામમોહનરાયજીની જન્મ જયંતિ છે. અને આવા સમયમાં મારું પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી ઉપર હાજર હોવું એ મારા મનને સ્પર્શી જનારી વાત થઇ ગઈ છે. પરંતુ સંકટની ઘડી સામે આપણે લડી રહ્યા છીએ ત્યારે હું એટલું જ કહીશ કે રાજા રામમોહનરાયજી આપણને સૌને આશીર્વાદ આપે જેથી સમય અનુકૂળ સમાજ પરિવર્તનના તેમના જે સપનાઓ હતા તેમને પુરા કરવા માટે આપણે સાથે બેસીને, ભેગા થઈને એક ઉજ્જવળ ભવિષ્યની માટે ભાવી પેઢીના નિર્માણની માટે સમાજ સુધારા માટેના આપણા કાર્યોને સતત ચાલુ રાખીશું અને તે જ રાજા રામમોહન રાયજીને સર્વોત્તમ શ્રદ્ધાંજલિ હશે.

હું મારા પશ્ચિમ બંગાળના તમામ ભાઈઓ બહેનોને વિશ્વાસ અપાવું છે કે સંકટની આ ઘડીમાં આખો દેશ તમારી સાથે છે. ભારત સરકાર ખભે ખભો મિલાવીને તમારી સાથે આવનારા તમામ કાર્યોમાં ઉભી રહેશે. આ જ સંકટની ઘડીના સમયમાં તમને બધાને મળવા આવ્યો છું, પરંતુ કોરોના વાયરસના કારણે બધા જ નાગરિકોને તો મળી શકું તેમ નથી; મનમાં એક ખોટ તો રહી જ જશે. અહીંથી હું આજે ઓડીશા તરફ જઈશ અને ત્યાં પણ હવાઈ નિરીક્ષણ કરીશ, ત્યાના માનનીય મુખ્યમંત્રીજી સાથે, રાજ્ય સરકારની સાથે વાતચીત કરીશ.  હું ફરી એકવાર પશ્ચિમ બંગાળની આ દુઃખની ઘડીમાં તમારી સાથે છું. જલ્દીથી જલ્દી તમે આ સંકટમાંથી બહાર નીકળો, તેની માટે હું સંપૂર્ણ રીતે તમારી સાથે રહીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.