Western Times News

Gujarati News

કોરોના વોરિયર્સ પોલિસ કર્મીઓ તથા આરોગ્‍ય કર્મચારીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્‍યું

(આલેખન-વૈશાલી જે. પરમાર)  માહિતી બ્‍યૂરો, વલસાડ, દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો કોરોના વાઇરસથી બચવા માટે દવા તથા રસીઓની ખોજમાં લાગ્‍યા છે, ત્‍યારે જ્‍યાં સુધી આની કોઇ દવા ન શોધવામાં આવે ત્‍યાં સુધી આપણી રોગ પ્રતિકારક શકિત વધારી રોગોથી બચી શકાય તે જ એક વિકલ્‍પ રહયો છે.

આવા સમયે હોમિયોપેથીક દવા તથા આરોગ્‍યવર્ધક ઉકાળાના મહત્ત્વ અંગે જાગૃતતા મેળવી આયુર્વેદ તરફ દુનિયાએ પ્રયાણ કર્યું છે. ભારતીય આરોગ્‍ય વિભાગ દ્વારા પણ આરોગ્‍યવર્ધક ઉકાળાને દૈનિક રીતે ગ્રહણ કરવા અંગે સૂચનો આપવામાં આવ્‍યા છે. કોરોના વાઇરસથી બચવા માટે સૌ પ્રથમ આપણા શરીરની રોગ પ્રતિકારક શકિત અથવા ઈમ્‍યુનિટી મહત્ત્વનો ભાગ ભજવે છે. જો રોગ પ્રતિકારક શકિત સારી હોય તો ગમે એવા રોગો સામે પણ આપણું શરીર આપણને બચાવી લે છે.

લોકડાઉનના સમયમાં જાહેર જનતાને કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ બનતા અટકાવવા તથા સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નિયમોનું કડક પાલન કરવા સમગ્ર રાજયના પોલીસકર્મીઓ ખડેપગ તૈનાત છે. ફ્રન્‍ટલાઇનર હિરોઝ તરીકે પોલીસકર્મીઓ તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ સતત કાર્યરત છે. લોકડાઉનમાં ઘણા લોકોને પોતાના વ્‍યસ્‍ત જીવનમાંથી બ્રેક લઇ પરિવાર સાથે સમય પસાર કરવાનો સારો મોકો મળ્‍યો છે. પરંતુ આ કોરોના વોરિયર્સ જાહેર જનતાની ચિંતા કરી પોતાના પરિવાર-નાના ભુલકાંઓથી દુર રહી દેશની સેવામાં સતત કાર્યશીલ રહયા છે. આ કોરોના વોરિયર્સ પોતાના સ્‍વાસ્‍થ્‍ય માટે સજાગ રહે તે પણ ખુબ જરૂરી છે.

વલસાડ જિલ્લામાં પણ વિવિધ આયુર્વેદિક સરકારી દવાખાના દ્વારા જાહેર જનતા માટે મફત ઉકાળા વિતરણ કરવામાં આવી રહયા છે. જેના દ્વારા વલસાડના લોકોની રોગપ્રતિકારક શક્‍તિ વધારી જિલ્લાને કોરોના વાઇરસથી મુકત કરી શકાય.

કોરોના વોરિયર્સ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે રાત દિન કામ કરી રહયા છે, ત્‍યારે તેઓ પોતે પણ નિરોગી અને ખડતલ રહે તે જરૂરી છે. આ વિચાર સાથે વલસાડના ધરમપુર ખાતે આયુર્વેદ વિભાગ દ્વારા સરકારી દવાખાનામાં કોરોના વોરિયર્સ અને આપણા હિરોઝ એવા પોલિસ કર્મીઓ તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓને ઉકાળા વિતરણનો લાભ આપવામાં આવ્‍યો હતો. આપણા સૌ કોરોના વોરિયર્સને શતશત નમન.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.