Western Times News

Gujarati News

રાજ્યમાં ૧૪૦૩ જળસંચય કામોથી ૧૮.ર૪ લાખ માનવદિન રોજગારી ઊભી થઇ

કોરોના સામે-કોરોના સાથે સતર્કતાપૂર્વક જનજીવન પૂર્વવત બનવા લાગતાં જળસંચય-જળસંગ્રહના કામો વેગવાન બનાવી આગામી ચોમાસામાં

૨૦૧૮થી શરૂ થયેલા અભિયાનમાં છેલ્લા બે વર્ષમાં જળસંગ્રહ ક્ષમતા ર૩,પપ૩ લાખ ઘનફૂટ વધી:-ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા -તળાવો-ચેકડેમ ઊંડા કરવા-નદી કાંપ સફાઇની ખોદાણથી નીકળતી માટી વિનામૂલ્યે ખેડૂતોને અપાતા લાખો હેકટર જમીન નવસાધ્ય થઇ -બે વર્ષમાં પ૭૭પ ચેકડેમ ડિસીલ્ટીંગ થયું-૧ર હજાર તળાવો ઊંડા કરાયા

શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા અને જળ વ્યવસ્થાપનમાં ગુજરાતને અગ્રેસર રાખવા સુજલામ સુફલામ જળ અભિયાનનો તા.૧ મે-ર૦૧૮ના દિવસે ભરૂચ જિલ્લાના કોસામડીથી પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાની વૈશ્વિક મહામારી સામે અને મહામારી સાથે સતર્કતા-સાવચેતીપૂર્વક જનજીવન વ્યવહારો રાજ્યમાં પૂર્વવત થવા માંડયા છે ત્યારે આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ જળસંચય-જળસંગ્રહ માટે સુજલામ સુફલામ જળઅભિયાનની ત્રીજા તબક્કાની કામગીરી પણ વેગવંતી બની છે.

આ વર્ષના અભિયાનની શરૂઆતના તબક્કે જ કોરોના વાયરસ કોવિડ-19ને પરિણામે અભિયાનના કામો લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ પડયા હતા. મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા સહિતના શ્રમિકોને રોજગારી આપતાં કામો સાથોસાથ જળસંગ્રહ ક્ષમતા વધારવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પૂન: શરૂ કરવા તંત્રને પ્રેરિત કર્યુ અને આ કામોમાં ગતિ આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અભિયાનની વિગતો આપી હતી.  તદ્દઅનુસાર, રાજ્યમાં તા.ર૦ એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૧૪૦૩ કામો પૂર્ણ થયા છે તેમજ ૫૬૭૬ કાર્યો પ્રગતિમાં છે.  આ જળ અભિયાન કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં ૨૬૫૩૫ જે.સી.બી અને ૧ લાખ પ હજાર જેટલા ટ્રેકટર ડમ્પરના ઉપયોગથી સમગ્રતયા ૧,૩ર,૦૮૯ યાંત્રિક સાધનો દ્વારા માટી-કાંપ કાઢવામાં આવ્યા છે.

આવી માટી ખેડૂતોને તેમના ખેતરમાં પાથરવા અને પાક ઉપયોગમાં લેવા વિનામૂલ્યે આપી દેવામાં આવે છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, સુજલામ-સુફલામ જળ અભિયાનના આ ત્રીજા તબક્કામાં તા.રપમી મે સુધીમાં વિવિધ કામો પર જે શ્રમિકોને કામ મળ્યું છે તેનાથી ૧૮,ર૪,૪૪૧ માનવદિન રોજગારી મળી છે. એટલું જ નહિ, સમગ્રતયા આ જળ અભિયાનને પરિણામે અત્યાર સુધીમાં ૧ કરોડ ૩૩ લાખ ૯૪ હજાર ૯૩૬ ઘનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલાં કામો રાજ્યભરમાં સંપન્ન થાય છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ મુખ્યમંત્રીશ્રી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સફળતાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો એમાં સૌ લોકોએ સક્રિયતાથી સહયોગ આપ્યો છે અને પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિને પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવા યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે રાજ્યના તમામ જિલ્લાઓમાં જળસંપત્તિ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે કામગીરી કરાઇ હતી. આ અભિયાન હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં ૧૨,૨૭૯ તળાવો ઊંડા કરાયા છે.

તે જ રીતે ૫,૭૭૫ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તેમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ જતાં ૨૩,૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે લાખો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે. તેમણે ઉમેર્યુ કે, પાછલા બે અભિયાન દરમ્યાન મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા હતા. તે પૈકી તમામ જિલ્લાઓમાં ૩૦,૪૧૬ કામો પૂર્ણ કરી દેવાયા અને ૩૫,૯૬૦ કિ.મી. નહેરોની સાફસફાઇ, ૩૩૨૧ કિ.મી. કાંસની સફાઇ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં ૧૦૦ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ હતી તેની વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી. સુજલામ સુફલામ જળ અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો પ૦ : પ૦ હતો તે હવે ૬૦ : ૪૦ કરીને વ્યાપક જનભાગીદારી જોડી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.