Western Times News

Gujarati News

ગુજરાતમાંથી શ્રમિકોને લઈ રવાના થયેલી  સ્પેશ્યલ ટ્રેનનો આંકડો 900ની સંખ્યા વટાવી ગયો

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાંથી હિજરતી શ્રમિકોને વતન મોકલવા માટેની સ્પેશ્યલ ટ્રેનનો આંકડો મંગળવારે  900ની સંખ્યા પાર કરી ગયો છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે અત્યાર સુધીમાં  રાજ્ય સરકારે આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફતે 13.12 લાખથી વધુ  શ્રમિકોને વતન જવાની વ્યવસ્થા કરી છે.

શ્રી મિત્રા કે જે અટવાયેલા શ્રમિકો, યાત્રિકો, પ્રવાસીઓ,  વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને વતન રવાના કરવા માટે નોડલ ઓફિસર નિમાયા છે, તેમનુ કહેવુ  છે કે “ગુજરાત એ એક માત્ર રાજ્ય છે કે જેણે શ્રમિકોને વતન જવા  માટે 900થી વધુ ટ્રેન દોડાવી છે. હકિકતમાં કોઈ રાજ્ય શ્રમિકો માટેની ટ્રેનોનો 650નો આંકડો પણ પાર કરી શક્યુ નથી. અમે જે કોઈ ટ્રેન રવાના કરી છે તેને માટે અમારે  વિવિધ સત્તા તંત્રો સાથે સંકલન કરવુ પડયુ છે. આ કામગીરી જીલ્લા કલેકટરો અને નોડલ ઓફિસરોની ઉત્તમ કામગીરીને કારણે શક્ય બની છે. ”  જે 13.12 લાખ શ્રમિકો વતન રવાના થયા છે તેમાં સૌથી વધુ 7.65 લાખ શ્રમિકો તો માત્ર ઉત્તર પ્રદેશના જ હતા, જ્યારે 3.32 લાખ શ્રમિકો બિહારના હતા.

શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “અમે અત્યાર સુધીમાં 18 રાજ્યોમાં સ્પેશ્યલ ટ્રેનો રવાના કરી છે. આ રાજ્યોમાં મણીપુર, ત્રિપુરા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરાલા, તામિલનાડુ, તેલંગાણા, પ. બંગાળ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. અમે આશરે છેલ્લા ત્રણ સપ્તાહથી રેલવે તંત્ર તથા આટલી મોટી સંખ્યામાં શ્રમિકોને સ્વીકારનારાં 15 રાજ્યો સાથે સંકલન કરીને  સરળતાપૂર્વક આ કામગીરી ચાલુ રાખી છે. ” અધિકૃત આંકડા દર્શાવે છે કે ગુજરાતનાં શહેરોમાંથી સુરતમાંથી સૌથી વધુ 5.73 લાખ શ્રમિકોનુ તેમના વતનમાં સ્થળાંતર થયુ છે, જ્યારે અમદાવાદમાંથી 2.57 લાખથી વધુ શ્રમિકોએ સ્થળાંતર કર્યુ છે.

સમાન પ્રકારે 95,000થી વધુ કામદારો રાજકોટથી વતન રવાના થયા છે અને આશરે 52,000 જેટલા શ્રમિકો વડોદરાથી વતનમાં ગયા છે. ભરૂચમાંથી 45,000, વલસાડમાંથી 38,000, કચ્છમાંથી 36,300 અને મોરબીમાંથી 35,000 શ્રમિકો વતન રવાના થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.