Western Times News

Gujarati News

સ્થળાંતરિત મજૂરો પાસેથી ભાડું ન લેવા સુપ્રીમનો હુકમ

પ્રતિકાત્મક

નવીદિલ્હી,  સુપ્રીમ કોર્ટે સ્થાળાંતરિત મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડું ન લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. તે ઉપરાંત મજૂરોને ટ્રેન કે બસમાં ખાવાની વ્યવસ્થા કરવા માટે પણ નિર્દેશ કર્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે વચગાળાના ચુકાદામાં નિર્દેશ આપ્યો છે કે, શ્રમિકોને વતન મોકલવા માટે તેમની પાસેથી બસ અથવા ટ્રેનનું ભાડું વસૂલવું જોઈએ નહીં. દેશમાં વિવિધ જગ્યાએ ફસાયેલા શ્રમિકોને ભોજન અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે.

શ્રમિકોની દયનિય સ્થિતિની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો પર વચગાળાના નિર્દેશા આપતાં જણાવ્યું હતું કે, શ્રમિકો જ્યાં હોય ત્યાં જ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમને જમવાનું તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભૂષણની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે, જ્યાંથી બસ અથવા ટ્રેન ઉપડવાની હોય તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશે શ્રમિકોને ભોજન-પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે જ્યારે મુસાફરી દરમિયાન આ જવાબદારી રેલવેની રહેશે. સુપ્રીમ કોર્ટની બેન્ચના અન્ય જજ જસ્ટિસ એક કે કૌલ અને જસ્ટિસ એમ આર શાહે રાજ્યોને નિર્દેશ કર્યો છે તેઓ શ્રમિકોની નોંધણી વ્યવસ્થા કરે અને વહેલી તકે તેમને બસ અથવા ટ્રેન મળે તેવા પ્રયાસ કરે.

કોર્ટે આ અંગે ગંભીર નોંધ લેતા ટકોર કરી હતી કે શ્રમિકોની નોંધણી, પરિવહન અને તેમને ભોજપ-પાણી ઉપલબ્ધ કરાવવામાં કેટલાક છીંડા જોવા મળ્યા હતાં. કેન્દ્રે તેમના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ તેમના તરફથી અભૂતપૂર્વ પ્રયાસ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૯૧ લાખ મજૂરોને વતન મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ઘરે જવાનો પ્રયાસ કરી રહેલા પરપ્રાંતિય મજૂરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

તેમાં કોઈ શંકા નથી કે રાજ્ય સરકારો તેમના માટે પગલાં લઈ રહી છે. જોકે રજીસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશન અને ખાવા-પીવાની બાબતમાં કેટલીક ખામીઓ જોવા મળી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો સાથે સંકલન કરીને પરપ્રાંતિય મજૂરોને સ્પેશિયલ ટ્રેનો અને બસો દ્વારા તેમના રાજ્યોમાં લઈ જવામાં આવે છે. પહેલી મેથી ૨૭ મે દરમિયાન ૯૧ લાખ મજૂરોને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

આ જવાબ પર અદાલતે ટિપ્પણી કરી – શું તેમને યાત્રા દરમિયાન ખોરાક આપવામાં આવ્યો હતો? એક સવાલ કરતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, શું કોઈ પણ પ્રસંગે પ્રવાસીઓ પાસેથી ટિકિટના પૈસા માંગવામાં આવ્યા હતા? સવાલ એ છે કે રાજ્ય સરકારો કેવી રીતે ટિકિટના પૈસા ચૂકવે છે. જો પ્રવાસીઓ પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે, તો શું આ પૈસા તેમને પાછા કરવામાં આવી રહ્યા છે? ટ્રેનની રાહ જોતા તેમને ખાવાનું મળે છે કે નહિ? પ્રવાસીઓને ખાવાનું મળવું જ જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.