Western Times News

Gujarati News

સ્ટાર્ટ-અપ્સની વધી રહેલી સંખ્યાના પગલે કો-વર્કિંગ સ્પેસીસની વધી રહેલી માંગ

અમદાવાદ સ્થિત ધ અડ્રેસની નાણાંકીય વર્ષ 2020 સુધીમાં 1,200થી વધુ સીટ્સ સાથે રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણની યોજના

  • કંપની તેની પહોંચ ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર અને ઈન્દોર જેવા શહેરોમાં વિસ્તારશે
  • અમદાવાદમાં 400થી વધ સીટ્સ ધરાવતી અને ગુજરાતની સૌથી મોટી કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઈડર માર્ચ, 2020 સુધીમાં તેની ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે
  • કો-વર્કિંગ સ્પેસના ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના આગમન અને સ્ટાર્ટ-અપ્સની વધી રહેલી સંખ્યાના પગલે ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં કો-વર્કિંગ સ્પેસ ક્ષેત્રે ગુજરાતમાં કુલ સીટ્સનો આંકડો 5,000ને વટાવી જાય તેવી શક્યતા

અમદાવાદ,  કો-વર્કિંગ સ્પેસીસની વધી રહેલી માંગને પહોંચી વળવા અમદાવાદ સ્થિત કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઈડર ‘ધ અડ્રેસ’ ભારતના મોટા શહેરોમાં તેની કામગીરી વિસ્તારવાની યોજના બનાવી રહી છે. અમદાવાદમાં આ ક્ષેત્રે 30 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતી કંપની મુંબઈ, પૂણે અને બેંગાલુરૂમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે પણ નજર દોડાવી રહી છે.

 અમદાવાદમાં 30,000 ચોરસ ફૂટથી વધુના વિસ્તાર અને 400થી વધુ મેમ્બર ઓક્યુપન્સી સાથે  ‘ધ અડ્રેસ’ ગુજરાતની સૌથી મોટી કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઈડર છે. કંપની માર્ચ, 2020 સુધીમાં શહેરમાં તેની સીટ્સનો આંકડો 1,200 સુધી લઈ જવા માંગે છે. ઊભરતી બજારો સર કરવા માટે તે રાજ્ય બહાર વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે.

વિસ્તરણ યોજનાઓ વિશે વાત કરતાં ‘ધ અડ્રેસ’ના સ્થાપક અને સીઈઓ શ્રી યશ શાહે જણાવ્યું હતું કે અમે ગયા વર્ષે અમારી સફરની શરૂઆત કરી હતી અને અમદાવાદમાં અમે અસાધારણ વિકાસ સાધ્યો છે. હાલના તબક્કે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે અમે 100 ટકા ઓક્યુપન્સી ધરાવીએ છીએ જેમાં તાતા, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, ટિકટોક, મેરિકો, પિરામલ, ઈન્ડિયાબુલ્સ જેવા ક્લાયન્ટ્સનો સમાવેશ થાય છે. અમારી સફરને આગળ ધપાવતાં અમે ઈન્દોર, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ અને જયપુર જેવા શહેરોમાં પણ અમારી પહોંચ વધારી રહ્યા છીએ.

‘ધ અડ્રેસ’ પહેલા તબક્કે મોટા શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચેન્નાઈ, હૈદરાબાદ, ભોપાલ અને ઈન્દોરમાં કામગીરી આગામી એક વર્ષમાં શરૂ થાય તેવી શક્યતા છે. વિસ્તરણના બીજા તબક્કામાં કંપની દ્વિતીય સ્તરના શહેરો પર ધ્યાન આપશે. વર્ષ 2020 સુધીમાં આ સ્ટાર્ટ-અપ દેશભરમાં 1,50,000થી વધુ ચોરસ ફૂટ જેટલા કુલ વર્કસ્પેસીસમાં કામગીરી કરવાની યોજના બનાવી રહ્યું છે.

ભારતમાં કો-વર્કિંગ ક્ષેત્રનું સંભવિત બજાર કદ હાલ 12-16 મિલિયન ચોરસ ફૂટ જેટલું છે જેમાં સ્ટાર્ટ-અપ કર્મચારીઓ, પ્રોફેશનલ ફ્રીલાન્સર્સ, ઊભરતા વ્યવસાયોના કર્મચારીઓ ઉપરાંત મોટી કોર્પોરેટ ઓફિસના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના કો-વર્કિંગ મોડેલ્સ સિંગલ સ્પેસમાં કામ કરે છે અને 85ટકાથી વધુનો ઓક્યુપન્સી રેટ ધરાવે છે. આ પૈકીના મોટાભાગના નોન-બ્રાન્ડેડ સ્પેસીસમાં સરેરાશ સીટ્સની સંખ્યા 60થી 80 જેટલી છે જેની એવરેજ સાઈઝ 2,000 ચોરસ ફૂટ જેટલી છે. આ સાઈઝ ગ્લોબલ કો-વર્કિંગ સ્પેસીસની સરેરાશ સાઈઝના લગભગ 28 ટકા જેટલી છે.

કો-વર્કિંગ સ્પેસીસ સેક્ટર અંગે વાત કરતાં શ્રી યશ શાહે જણાવ્યું હતું કે 2014-15થી કો-વર્કિંગ સ્પેસ સેક્ટરમાં 600 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2025 સુધીમાં 500-1000 ચોરસ ફૂટ ઓફિસોનું અસ્તિત્વ નહીં હોય એમ લાગે છે. વર્તમાન નાણાંકીય વર્ષ સુધીમાં ગુજરાતમાં કો-વર્કિંગ સ્પેસ ક્ષેત્રે 5,000થી વધુ સીટ્સ હશે તેવો અંદાજ છે. ભારતમાં કો-વર્કિંગ સ્પેસ ક્ષેત્રે ટોચના પાંચ માર્કેટ્સમાં અમદાવાદ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઝડપથી ઊભરી રહેલા ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ્સ 25 ટકા ઓક્યુપન્સી રેટ ધરાવે છે.

 હાલ ભારતમાં 100થી પણ ઓછા બ્રાન્ડેડ કો-વર્કિંગ સ્પેસીસ કામ કરી રહ્યા છે પરંતુ સારા સમાચાર એ છે કે આ આંકડો આગામી ત્રણ વર્ષમાં ચાર ગણો વધે તેવી શક્યતા છે. પ્રોપર્ટી ખરીદનારા અને ઓપરેટર્સ આ ક્ષેત્રને ગંભીરતાથી લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક ત્રિ-માસિક ગાળાથી દરરોજ ત્રણ-ચાર સ્ટાર્ટ-અપ્સ ઊભા થઈ રહ્યા છે ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરનું સ્ટાર્ટ-અપ હબ બન્યું છે જેમાં દસ લાખ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ આંકડો વર્ષ 2020 સુધીમાં બેગણો થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારત પાસે 1.5 કરોડ જેટલા મોટી સંખ્યામાં ફ્રીલાન્સર્સ (વિશ્વમાં બીજા નંબરે) છે જેમની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ બંને પરિબળોના લીધે 35 લાખ-40 લાખથી વધુ સીટ્સની માંગ ઊભી થાય તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.