Western Times News

Gujarati News

અમદાવાદ શહેરનું વધુ એક તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે  રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. તદ્અનુસાર અમદાવાદના વેજલપૂર તાલુકાના સર્વે નં. ૭૮૩માં આવેલી ૩ર૦૭ર ચો.મી. ક્ષેત્રફળનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે.

સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો તથા જૂન મહિનામાં ૧ તળાવ એમ કુલ પાંચ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. મુખ્યમંત્રીશ્રીના નિર્ણય અનુસાર રાજ્ય સરકારે જે પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ તેમજ ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ અને શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ અને ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ સોલાનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.