Western Times News

Gujarati News

અકસ્માત થતાં દારૂની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ

શહેરના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે સ્વીફટ કારે રીક્ષાને ટક્કર મારતા બેને ઈજા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટો વચ્ચે હવે ગુનેગારો બેફામ બનવા લાગ્યા છે શહેરમાં ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડા પણ ધમધમવા લાગ્યા છે અને વિદેશી દારૂની હેરફેર પણ શરૂ થઈ ગઈ છે આ પરિસ્થિતિમાં  દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસ અધિકારીઓએ સ્થાનિક પોલીસને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.

જેના પગલે શહેરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે અને રાત્રિ દરમિયાન સમગ્ર શહેરમાં વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે આ પરિસ્થિતિમાં આજે વહેલી સવારે શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિજય ચાર રસ્તા પાસે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં બીયરની બોટલોનો જથ્થો ભરેલી કારના ચાલકે રીક્ષાને ટકકર મારતા બે વ્યક્તિને  ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના પગલે ગભરાયેલો કારચાલક કાર મુકીને પલાયન થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને રીક્ષામાંથી બંને વ્યક્તિઓને તાત્કાલિક સોલા સિવીલ હોસ્પિટલમાં  ખસેડી હતી બીજીબાજુ કારની તપાસ કરતા અંદરથી બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કારના નંબરના આધારે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ફરી એક વખત દારૂ જુગારના અડ્ડા ધમધમવા લાગ્યા છે અને શહેરમાં અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી બુટલેગરો દારૂની હેરાફેરી કરવા લાગ્યા છે જેની સામે પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા છે તેમ છતાં બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવામાં સફળ થઈ રહયા છે અનલોક-ર માં શહેરમાં હવે વિદેશી દારૂ મળવા લાગતા બુટલેગરો અન્ય રાજયોમાંથી વિદેશી દારૂની ખેપ મારવા લાગ્યા છે.

અમદાવાદ સહિત રાજયમાં હજુ પણ ગરમીનું પ્રમાણ હોવાથી બીયરની માંગમાં સતત વધારો થઈ રહયો છે નશાખોરોની માંગના પગલે બુટલેગરો અમદાવાદ શહેરમાં વિદેશી દારૂ અને બીયરના જથ્થાની હેરફેર કરવા લાગ્યા છે આ દરમિયાનમાં આજે સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ વિજય ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાઉ પાસે પુરઝડપે પસાર થતી સ્વીફટ કારે આગળ જતી રીક્ષાને જારદાર ટક્કર મારતા મોટો ધડાકો થયો હતો

જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. રીક્ષાનો ખુડદો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા પ્રવાસીઓએ રોક્કળ કરી મુકી હતી અંદર બેઠેલા પ્રવાસીઓની હાલત ગંભીર હતી જેના પગલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ જતા કારચાલક ગભરાઈ ગયો હતો કારના
આગળના ભાગનો પણ ભુક્કો બોલી જતા કાર ચાલી શકે તેમ ન હતી જેના પરિણામે કાર છોડીને ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો કેટલાક લોકોએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુતે ભાગી છુટવામાં સફળ રહયો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.

ગુજરાત યુનિ. પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને સૌ પ્રથમ રીક્ષામાં બેઠેલા ઈજાગ્રસ્ત ઉમાશંકર શર્મા તથા રતનભાઈ નામના બે વ્યક્તિઓને રીક્ષામાંથી બહાર કાઢી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં  ખસેડયા હતાં બંને વાહનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું કારના આગળના બોનેટનો ભુક્કો બોલી જતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ટ્રોઈંગ વાન બોલાવી હતી.

આ દરમિયાનમાં અધિકારીઓએ કારના પાછળના ભાગમાં તપાસ કરતા કેટલાક ખોખા પડેલા જાવા મળ્યા હતા જેના પરિણામે પોલીસ અધિકારીઓને શંકા ગઈ હતી સ્થળ પર લોકોના ટોળા જાતા પોલીસે સાવચેતી પૂર્વક ટ્રોઈંગ વાન મંગાવી આ કારને ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનના મેદાનમાં લઈ જવામાં આવી હતી.

કારને પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉચ્ચ અધિકારીઓએ કારની અંદર જડતી લેવાની શરૂઆત કરી હતી કારની અંદરથી વિદેશી દારૂની બોટલો તથા બીયરના ટીન ભરેલા ખોખા જાવા મળ્યા હતા જેના પરિણામે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. પાછળની ડેકીમાં પણ મોટો જથ્થો પડેલો જાવા મળ્યો હતો પોલીસ અધિકારીઓએ ડેકી ખોલાવી અંદરથી એક પછી એક ખોખા બહાર કાઢયા હતાં જેમાંથી મોટી માત્રામાં બીયરના ટીન અને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.