Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં સોમવારે સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડતા જનજીવન ઉપર અસર પડી હતી. મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે તો કેટલાક ડમ છલકાયા છે. મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે. રાજ્યભરમાં અપરએર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય હોવાથી હજુ પણ ત્રણ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે અને એનડીઆરએફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.

આજે રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
રાજકોટ શહેરમાં મેઘરાજાની મનમુકીને વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. રાજકોટમાં સવારથી અત્યાર સુધીમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરના પોપરપરાના ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી છે. શહેરના કાલાવડ રોડ , નાના મૌવા રોડ, ન્યુ ૮૦ ફૂટ રિંગરોડ, મવડી, મોટા મૌવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

આ સાથે જ રેલવે સ્ટેશન વિસ્તારમાં બે વર્ષો જૂના ઝાડ પર પણ પડી ગયા હતા. માધાપર ચોકડી પાસે ૨ ફૂટ જેટલા પાણી ભરાય જતાં લોકોના ઘરમાં પાણી આવવા લાગ્યું હતું. રાજકોટમાં ગઈકાલે રણુજા મંદિર પાસે નદીમાં પૂરના પ્રવાહમાં પિકઅપ બોલેરો વેન સાથે ત્રણ લોકો તણાયા હતા. ૨૪ કલાક ઉપરનો સમય થયો હોવા છતાં હજુ એક વ્યક્તિ લાપતા છે. ફાયરની અને  ટીમ લાપતા વ્યક્તિને  શોધી રહી છે.

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવે સ્ટેશન રોડ પર પૌરાણિક ૨ ઝાડ પડી ગયા હતા. જેથી કોર્ટથી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા હાલ તો ઝાડને કાપવનાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદના પગલે ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર પાસે આવેલી એરપોર્ટની દીવાલ ધરાશાયી થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. સતત વરસી રહેલા વરસાદના પગલે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. માધાપર ચોકડી પાસે ૨ ફૂટ જેટલા પાણી ભરાય જતાં લોકોના ઘરમાં પાણી આવવા લાગ્યું હતું. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટમાં ભારે વરસાદના પગલે મુંજકામાં ક્વાર્ટરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.હાલ તો મનપાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવાનીરની આવક થઈ છે.

સુત્રાપાડામાં ૪ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સરસ્તવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો પ્રાચી માધવરાય મંદિર ૧૫ ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગીર ઉપરવાસમાં વરસાદને લઇ ગીરગઢડા અને કોડીનારમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અમરેલી પંથકમાં પણ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કુતિયાણા તાલુકામાં ૨૦૮ મી.મી., વિસાવદરમાં ૨૦૧ મી.મી. અને મેંદરડામાં ૧૯૫ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં ૮ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કેશોદમાં ૧૭૮ મી.મી., સુત્રાપાડમાં ૧૭૮ મી.મી., ભાણવડમાં ૧૭૪ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ટંકારામાં ૧૫૭ મી.મી., માણાવદરમાં ૧૫૪ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૬ ઈંચ અને વંથલીમાં ૧૨૩ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ગોંડલ અને આસપાસના ગામોમાં આધી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગોંડલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. વાસાવડ ગામના ઉપરવાસમાં અમરેલી જિલ્લાના ગામોમાં રાત્રીના પડેલા ભારે વરસાદને કારણે વાસાવડી નદીમાં ભારે પુર આવ્યા હતાં.

જેમને કારણે વાસાવડ ગામે નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે. આ સાથે જ ગામમાં પ્રવેશતાં મુખ્યમાર્ગ પરના બેઠાપૂલ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.આ ઉપરાંત વાસાવડી નદી પર મેતાખંભાળીયા ગામ પાસે પણ છેલ્લા ઘણાં સમયથી ચાલતી પૂલની ગોકળગાયની ગતિએ કામગીરીને લઈને કાઢવામાં આવેલ ડાયવર્ઝન ઉપર વાસાવડી નદીના પાણી ફરી વળતાં ગોંડલ દેરડી(કુંભાજી) મોટી કુંકાવાવ જતો માર્ગ બંધ થઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

ગીરસોમનાથના જામવાળા સીંગોડા ડેમ પર છેલ્લા ૨૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડ્યો છે. કોડીનારના મઠ ગામેથી પસાર થતી સોમેત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ પાણી સીધુ દ્વારકાના દરિયામાં પાણી જઇ રહ્યું છે.  સુત્રાપાડા અને ગીરના ગામોમાંથી આ નદી પસાર થાય છે. આ નદી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન છે. રાવલ ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદથી આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ ડેમનું પાણી શહેરીજનો માટે પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ જૂનાગઢનો સૌથી મોટો ડિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

પોરબંદરમાં છેલ્લા કલાકમાં ૧૧ ઈંચ, કુતિયાણામાં ૮ ઈંચ અને રાણાવાવમાં ૧૧ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે પોરબંદરના સ્ટેશન રોડ, સુદામા ચોક સહિતના મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે જ ખીજડી પ્લોટથી લઈ છાયા ચોકી તરફ જતા સહિતના રસ્તાઓમાં ગોઠણ સુધી પાણી ભરાય ગયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.