Western Times News

Gujarati News

દેશી ગાયના નિભાવ ખર્ચ તથા જીવામૃત બનાવવાની કીટ અંગેની યોજના માટે આઈ-ખેડૂત પર રજીસ્ટ્રેશન શરૂ

પ્રતિકાત્મક

આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી સાધનિક કાગળો સાથે અરજી કર્યાના દિન-૭માં જમા કરાવવાની રહેશે

માહિતી બ્યુરો, પાટણ: રાજ્યના ખેડૂતો ઉત્પાદન વધારી શકે તથા ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકે તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકારશ્રી દ્વારા દેશી ગાયના નિભાવ તથા જીવામૃત બનાવવાની કીટ આપવા માટેની યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીની બંને યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

જે ખેડૂત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત પરિવારને એક દેશી ગાય દીઠ મહિને રૂ.૯૦૦ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે. બીજી બાજુ પ્રવાહિત જીવામૃત બનાવવા ૨૦૦ લિટરનું ઢાંકણ વગરનું ડ્રમ, ૧૦ લિટરના બે પ્લાસ્ટીક ટબ અને ૧૦ લિટરની એક પ્લાસ્ટીક ડોલની કીટ આપવામાં આવશે. જેમાં પ્રતિ કીટના થનાર ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦ પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.

આ યોજનાઓનો લાભ લેવા માટે અરજદાર ખેડૂતે પ્રિન્ટઆઉટ અરજી સાથે ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના ૭  દિવસમાં જે તે સેજાના ગ્રામસેવક, બીટીએમ, એટીએમ કે પછી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીએ રજુ કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.