Western Times News

Gujarati News

ટોસિલિઝૂમેબ ઈન્જેકશનના કાળાબજારનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ

(પ્રતિનિધિ) અમદાવાદ: સુરત, અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોના વાયરસની સારવારમાં મહત્વપૂર્ણ ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારીના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ આજે સવારથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા રાજયવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે અને તેનુ મુખ્ય કેન્દ્ર અમદાવાદમાં હોવાનું ચર્ચાઈ રહયું છે અને અમદાવાદના મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામ પણ બહાર આવ્યા છે આ તમામની સામે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોનાના કેસોનું મુખ્ય હબ બની ગયું છે ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે જેના પગલે નાગરિકોમાં પણ ફફડાટ જાવા મળી રહયો છે હોસ્પિટલોમાં  મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહયા છે જેમાંથી કેટલાકની હાલત નાજુક છે કોરોનાની હજુ રસી શોધાઈ નથી જેના પગલે આ પરિસ્થિતિ સર્જાઈ છે પરંતુ કોરોનામાં કેટલીક દવાઓ અસર કરી રહી છે

ખાસ કરીને ટોસિલિઝૂમેબ ઈન્જેકશન ગંભીર દર્દીઓને આપવામાં આવી રહયું છે રાજય સરકારે પણ આ ઈન્જેકશનો સરકારી હોસ્પિટલમોમાં  દર્દીઓને આપવાની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા દિવસથી અને ખાસ કરીને અનલોકની સ્થિતિમાં   અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે અને તેનો ફાયદો કાળા બજારીયાઓ ઉઠાવવા લાગ્યા છે. આવશ્યક કેટલીક દવાઓના રીતસર કાળાબજાર શરૂ થઈ ગયા છે ગઈકાલે સુરતમાંથી ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની નફાખોરીનું કૌભાંડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પકડી પાડયું છે. આ સમગ્ર ષડયંત્રમાં તપાસ કરતા તે રાજયવ્યાપી હોવાનું બહાર આવ્યુ છે જેના પગલે રાજયના જુદા જુદા શહેરોમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ષડયંત્રના તાર અમદાવાદ સુધી લંબાયેલા છે જેના પગલે અમદાવાદમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  ફરજ બજાવતા ઘનશ્યામભાઈ વ્યાસ નામના વ્યક્તિના એકાઉન્ટમાં કેટલીક રકમ જમા થઈ હોવાનું ખુલતા જ અધિકારીઓએ તેમના વિરૂધ્ધ તપાસ શરૂ કરી દીધી છે  આ ઉપરાંત અન્ય કેટલાક વ્યક્તિઓના નામો પણ બહાર આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે તપાસ વધુ તેજ કરી દીધી છે આજે સવારથી જ વ્યાપક પ્રમાણમાં તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ એક મોટુ ષડયંત્ર બહાર આવે તેવી ચર્ચા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.