Western Times News

Gujarati News

વાતાવરણમાં પલટોઃ આ રાજ્યોમાં થઈ શકે છે તબાહી

ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ, આસામમાં પૂર, પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલન, અકોલામાં મૂશળધાર વરસાદ
નવી દિલ્હી,  રાજધાની દિલ્હી સહિત દેશભરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ચારેતરફ વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર પ્રદેશથી લઈને બિહાર, બંગાળથી લઈને પૂર્વોત્તર, મહારાષ્ટ્રથી લઈને મધ્ય પ્રદેશ અને આસામથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના અનેક વિસ્તારોમાં વરસાદનો શોર મચ્યો છે. મહારાષ્ટ્રના અકોલામાં મૂશળધાર વરસાદે રેકોર્ડ તોડ્યો છે તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં નદીઓએ તાંડવ મચાવ્યું છે.

દેશના પહાડી વિસ્તારોમાં એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર પહાડ ધસવાના કારણે લોકોમાં ભય વ્યાપ્યો છે. બિહાર પણ વરસાદ અને પૂરના કારણે ઘેરાઈ ગયું છે. નેપાળ દ્વારા પાણી છોડવામાં આવતા કોસી, ગંડક, બાગમતીમાં પૂર આવ્યું છે. જો કે દેશની રાજધાની દિલ્હીમાં પવનના કારણે મોસમ મનમોહક છે અને હવામાન વિભાગે ૫૦થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે કેટલાક સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આગાહી પ્રમાણેપાણીપત, કરનાલ, મેરઠ, હાપુડ, બાગપત, મોદીનગર, હસ્તિનાપુર, શામલી, ગાઝિયાબાદ, નોએડા, ગ્રેટરનોએડા, મુઝફ્ફરનગર, યમુનાનગર, કુરૂક્ષેત્ર, સહરાનપુર, ચંદૌસી, ચાંદપુર, નજીબાબાદ, બિજનૌર, મુરાદાબાદ અને આસપાસના વિસ્તારોમાં ૩૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે.

સ્કાયમેટના અહેવાલ પ્રમાણે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને તટીય કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. બિહારના નીચાણવાળા વિસ્તારો, પૂર્વોત્તર ભારત, ઝારખંડ, ઉત્તરી ઓડિશા, ઉત્તરી છત્તીસગઢ, ઉત્તર પૂર્વીય મધ્ય પ્રદેશ, ઉત્તરી પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો અણસાર છે. તમિલનાડુ અને પૂર્વીય રાજસ્થાનના કેટલાક સ્થળે પણ હળવો વરસાદ વરસી શકે છે

જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક-બે સ્થળે હળવો વરસાદ પડી શકે છે. બિહારમાં નદીઓમાં પાણીના ભરાવાના કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને બલરામપુરમાં રાપ્તી નદી અને પહાડી નાળા છલકાઈ ગયા છે. નેપાળની પહાડીઓ પર સતત મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્પષ્ટ અસર વર્તાઈ રહી છે. રાપ્તી નદીનું જળ સ્તર જોખમની નિશાની કરતા ૧૨ સેમી ઉપર વહી રહ્યું છે અને તે સતત ઉંચુ જઈ રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રાજસ્થાનમાં ૧૩ જુલાઈની આસપાસ ફરીથી ચોમાસુ સક્રિય થાય તેવી આશા છે. આ કારણે ચોમાસુ સક્રિય થયા બાદ ત્રણ-ચાર દિવસ હળવો વરસાદ વરસશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.