Western Times News

Gujarati News

નવરંગપુરામાં પીજી સર્વિસ પુરી પાડતી કંપની વિરૂદ્ધ રૂપિયા ૬૬.૪૬ લાખની ઠગાઈની ફરિયાદ

અમદાવાદ: પીજી તરીકે સ્ટુડન્ટ અને વર્કીગ પ્રોફેશનલને સર્વ સુવિધા આપતી નેશનલ લેવલની એક કંપની સામે સ્થાનિક વેપારીએ રૂપિયા ૬૬ લાખની છેતરપિંડીની ફરીવાર નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ કંપનીએ કરારો કરવા છતાં કેટરીંગની સુવિધા વાપર્યા બાદ રૂપિયા આપવામાં ગલ્લા તલ્લાં કરતાં છેવટે પોલીસ સુધી આ વાત પહોંચી હતી. આ જ કંપનીએ પોતાનું બિલ્ડીંગ ભાડે આપનાર વ્યક્તિ સાથે પણ આવું જ કર્યું હોવાનું સામે આવ્યું છે.

મહિલા વેપારી પુજાબેન દવે પતિ દિપકભાઈ સાથે મળીને કેટરીંગનો વ્યવસાય કરે છે અને પોતાનં ગુજરાન ચલાવે છે. દિપકભાઈને રાહુલ શર્મા નામના વ્યક્તિ સાથે ઓળખ થઈ હતી. જેણે દિપકભાઈને સ્કોલર એવી પ્રા.લિ.નામની કંપની સાથે ધંધો કરવાની ઓફર આપી હતી.

પેઈંગ ગેસ્ટની તમામ સુવિધા પૂરી પાડતી આ કંપની સાથે કરાર કરીને બિલ મુક્યા બાદ રૂપિયા સાત દિવસમાં ચૂકવવાનો વાયદો કર્યાે હતો. શરૂઆતમાં કરાર મુજબ વ્યવસ્થિત ચાલ્યું હતું. અને દિપકભાઈ તથા પુજાબેન અમદાવાદમાં આ કંપનીના અલગ અલગ સ્થળે ઓલાં પીજીમાં કેટરીંગની સર્વિસ આપી હતી.

દરમિયાન જાન્યુઆરી ૨૦૨૦માં તેમનો કરાર પુરો થતો હોઈ દિપકભાઈએ કંપનીને રૂપિયા ૬૬.૪૬ લાખ રૂપિયાનું બિલ મોકલી આપ્યું હતું. પરંતુ કંપનીએ વિદ્યાર્થી દીઠ હિસાબ કરીને ૪૪ લાખ ૨૬ હજાર રૂપિયા આપવા સંમત થયા હતા. જે અંગે દિપકભાઈએ રજુઆત કરવા છતાં કંપનીનાં માલિકોએ કોઈ દરકાર કરી ન હતી.

તેમને અવારનવાર ફોન તથા ઈમેઈલ દ્વારા જાણ કરવા છતાં કંપનીના માલિકોએ ખોટાં વાયદાઓ કર્યા હતા. અને બહાના બનાવ્યા હતાં. જેનાં પગલે છેવટે પુજાબેન તથા દિપકભાઈ નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને રાહુલ શર્મા સહિત કંપનીના માલિકો પ્રીયંકા ઘેરા, આકાશ બંસલ, અભિષેક ગુપ્તા, અનુ તલરેજા, વિશાલ હર્નાલ, સંદીપ શ્રીવાસ્તવ, બાણી કોલા અને મેનેજર દેવાનંદ ચોબે વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી.

ઉપરાંત પોતાની જેમ જ જયેશ શાહ નામનાં વ્યક્તિની પણ બિલ્ડિંગ ભાડે રાખીને તમામ આરોપીએ નાણાં ચુકવ્યા ન હતા. ૬૬ લાખથી વધુની છેતરપિંડીની ફરીયાદ નોંધાતા પોલીસ પણ ચોંકી ગઈ છે અને તુરંત જ આ કેસમાં તપાસ હાથ ધરી છે.  ઉપરાંત સ્કોલર એલી નામની કંપનીના માલિકોએ અન્ય કેટલાં લોકો સાથે આવી ઠગાઈ આચરી છે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.