Western Times News

Gujarati News

મોરારી બાપુનું નામ લેવાતા ગૃહમાં આક્ષેપબાજી

કોંગ્રેસ હિન્દુ સંતોનો બદનામ કરે છે – નિતિન પટેલ
અમદાવાદ,  ગુજરાત વિધાનસભાના પ્રશ્ન કાળમાં મોરારીબાપુના નામનો ઉલ્લેખ થતાં એક તબક્કે ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસે મોરારી બાપુના નામે રેશનકાર્ડ બનાવીને અનાજનો જથ્થો ઉપાડી લેવાય છે એવો આક્ષેપભર્યો પ્રશ્ન કરતા કોંગ્રેસ-ભાજપ જારદાર રીતે સામ સામે આવી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. અલબત્ત, અધ્યક્ષની કડક ટકોર બાદ વાતાવરણ સામાન્ય બન્યું હતું.

વિવાદાસ્પદ પ્રશ્નના નિર્ણય અધ્યક્ષ દ્વારા પેન્ડિંગ રાખવામાં આવ્યાં હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ વિપક્ષને માફી મંગાવવા માટે પસ્તાળ પાડી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો કોંગ્રેસ પર જારદાર રીતે બગડયા હતા અને તેને આડા હાથે લઇ નાંખતા જણાવ્યું હતું કે, હિન્દુ સંતોને બદનામ કરવાનું કોંગ્રેસ આ કાવતરૂં કરે છે.

સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ દ્વારા બોગસ નામ વાપરી અનાજનો જથ્થો ઉપાડી લેવામાં આવે છે, તેવા એક પ્રશ્નમાં કોંગ્રેસ દ્વારા મોરારીબાપુના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનો સરકાર તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો અને આવી બાબતોમાં હિન્દુ સંસ્કૃતિના સંતોને બદનામ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે

એવો આક્રોશ સરકાર તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. જા કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રશ્નથી અકળાયા હતા અને તેમણે આ મુદ્દાને ગંભીર ગણી વિપક્ષ કોંગ્રેસે ઉઠાવેલા પ્રશ્નોનો પુરાવો ગૃહમાં રજૂ કરે અથવા તો માફી માંગે તેવો આગ્રહ રાખ્યો હતો. સસ્તા અનાજની ગરીબો માટેની યોજનામાં બાયોમેટ્રિક ઇલેક્ટ્રીક થમ્બનો ફોટો ઉપયોગ કરીને મોરારીબાપુના નામે અનાજ લઈ જવાની ઘટના સામે સરકારે શું પગલા લીધા છે એવો પ્રશ્ન પુછતા અકળાયેલા નીતિન પટેલે ઉગ્ર થઇ વિપક્ષી નેતા પાસે આ મુદ્દાની સાબિતી માગી હતી.

એટલું જ નહીં રેશનકાર્ડ ગૃહમાં રજૂ કરવા તેમજ અન્ય સાબિતી આપવાની માંગ કરી હતી. તેમણે મોરારીબાપુના બચાવ કરતાં જણાવ્યું હતું કે, તમને મોરારી બાપુ જ કેમ યાદ આવે છે. વાસ્તવમાં કોંગ્રેસ હિન્દુ સંતોને બદનામ કરવાનું કાવતરું કરે છે તવો વળતો આક્ષેપ કરતા ગૃહનું વાતાવરણ ડહોળાયું હતું અને બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. નીતિન પટેલે વિપક્ષી નેતા અને પ્રશ્ન કરનાર કોંગ્રેસના ધારાસભ્ય સામે માફી માગવાની અથવા પુરાવા રજુ કરવાની કડક માગણી કરી હતી. ભારે હોબાળા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના ગૌરવવંતા અને પૂજનીય સંત મોરારીબાપુના નામે અનાજ સુધાર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષે પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ.

તો બીજી તરફ પરેશ ધાનાણીએ પણ ગૃહસ્થ સમક્ષ પોતાનો મત પ્રગટ કરતા જણાવ્યું કે, આ વિષય ટીકા ટિપ્પણીનો નથી પરંતુ મોરારીબાપુના નામની ફિંગરપ્રિન્ટનો દુર ઉપયોગ કરીને અનાજ કે કેરોસીનનો જથ્થો ઉપાડ્‌યો હોવાનું જાણવા મળી છે અને આ મુદ્દે દર્શના જરદોશ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, એટલું જ નહીં રાજ્યમાં એક લાખથી વધુ લોકોના નામે અનાજ માફિયાઓ બારોબાર સસ્તો અનાજ એકત્રિત કરીને કાળા બજારીયાઓ ઉચા ભાવે વેચી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.