Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ U.K.ના મિનિસ્ટર ઓફ સ્ટેટ સાઉથ એશિયા અને કોમનવેલ્થ કંટ્રીઝ સાથે વર્ચ્યુઅલ વિડીયો બેઠક મુલાકાત યોજી

ગુજરાતે સોલાર એનર્જી-પર્યાવરણપ્રિય ઇલેકટ્રીક વ્હીકલના વ્યાપક ઉપયોગથી  કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવાની ક્ષમતા કેળવી છેઃ-મુખ્યમંત્રીશ્રી

આવનારા દિવસોમાં ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ હાઇબ્રીડ પાર્કથી ગુજરાતને બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદનનું હબ બનાવવાની ભૂમિકા આપતા શ્રી વિજયભાઇ રૂપાણી

ગિફટ સિટીથી વિશ્વભરના ફાયનાન્સિયલ સર્વિર્સિસ સેકટરના ગૃહોને  વૈશ્વિક વેપાર કારોબારની તક મળી છેઃ-શ્રીયુત લોર્ડ તારીક અહેમદ

ગુજરાત સાથે સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા અને વાયબ્રન્ટ સમિટમાં  સક્રિય સહભાગીતા માટેની તત્પરતા વ્યકત કરતા યુ.કે.ના મિનીસ્ટર ઓફ સ્ટેટ

કોરોના સંક્રમણ દરમ્યાન ગુજરાતમાં બ્રિટનના નાગરિકોને સલામત વતન પહોચાડવાના ગુજરાતના સહયોગ માટે હ્વદયપૂર્વકનો આભાર દર્શાવ્યો

મુખ્યમંત્રીશ્રીને યુ.કે.ની મુલાકાતનું આમંત્રણ પાઠવ્યું

પોતાની આ વર્ચ્યુઅલ વિઝીટ બાદ ભારતની પ્રત્યક્ષ મુલાકાતમાં  ગુજરાત અવશ્ય આવવાની મહેચ્છા વ્યકત કરતા શ્રીયુત લોર્ડ તારીક

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુ.કે.ના મિનિસ્ટર ઓફ સ્ટેટ, સાઉથ એશિયા એન્ડ કોમનવેલ્થ કન્ટ્રીઝ શ્રીયુત લોર્ડ તારીક અહેમદ સાથે ગાંધીનગરથી વર્ચ્યુઅલ વિડીયો કોન્ફરન્સ બેઠક મુલાકાત યોજી હતી.  શ્રીયુત લોર્ડ તારીક અહેમદે ગુજરાતમાં વસવાટ કરતા, અભ્યાસ માટે સ્થાયી થયેલા યુવાઓ સહિતના બ્રિટનના બહુધા નાગરિકોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાત સરકારે વતન પરત મોકલવા કરેલી મદદ માટે મુખ્યમંત્રીશ્રીનો હ્વદયપૂર્વક આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથે વિડીયો સંવાદ દ્વારા વર્ચ્યુઅલ મિટીંગ દરમ્યાન તેમણે ગુજરાતે મેન્યુફેકચરીંગ હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ અને બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટની જે વિશ્વખ્યાતિ મેળવી છે તેનાથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાતે સોલાર એનર્જીના હબ તરીકે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા રાજ્યની સિદ્ધિ મેળવી છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

તેમણે ખાસ કરીને ગુજરાતે પર્યાવરણપ્રિય સ્વચ્છ ઊર્જાના વિનિયોગની જે પહેલ કરીને ઇલેકટ્રીક વ્હીકલ્સના ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે અને જાહેર પરિવહન સેવામાં પણ હવે તેનો ઉપયોગ થઇ રહ્યો છે તેની જાણકારી આપી હતી.  ગુજરાતે રેઇન વોટર હાર્વેસ્ટીંગના જે સામુદાયિક પ્રયોગોમાં સફળતા મેળવી છે તેનાથી પણ મુખ્યમંત્રીશ્રીએ યુ.કે.ના મિનિસ્ટરને અવગત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આવનારા દિવસોમાં સોલાર-વીન્ડ હાઇબ્રીડ પાર્ક ૩૦ હજાર મેગાવોટની ક્ષમતા સાથે સ્થાપવાનો છે તેની પણ ચર્ચાઓ શ્રીયુત તારીક અહેમદ સાથે કરી હતી.  શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવા તથા વાયબ્રન્ટ સમિટની સફળ શૃંખલા દ્વારા ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવાના સફળ આયામો અંગે પણ જાણકારી આપી હતી.

તેમણે ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી-ગિફટ સિટી દ્વારા વિશ્વભરના ફાયનાન્સિયલ સર્વિસ સેકટરના પ્રતિષ્ઠિત ગૃહોને વૈશ્વિક વેપારની તક મળી છે તેમ પણ જણાવ્યું હતું.  યુ.કે.ના મિનીસ્ટર શ્રીયુત લોર્ડ તારીકે ગુજરાતની આ વૈશ્વિક વિકાસ ગાથામાં સહભાગી થવાની અને ગુજરાત સાથેના યુ.કે.ના આર્થિક-વેપારીક-ઔદ્યોગિક સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવાની તત્પરતા વ્યકત કરી હતી.
શ્રીયુત લોર્ડ તારીકે યુ.કે.ની સર્વિસ સેકટર ઇન્ડસ્ટ્રીઝ અને ફાયનાન્સ સેકટર્સની સંસ્થાઓ ગુજરાતમાં ગિફટ સિટીમાં રોકાણો-કારોબાર શરૂ કરવા આતુર છે ત્યારે આ હેતુસર ભારત ગુજરાત-બ્રિટન વચ્ચે કોઇ નક્કર કાર્યયોજનાની હિમાયત કરી હતી.

તેમણે વાયબ્રન્ટ સમિટ-ર૦ર૧માં યુ.કે.ના સક્રિય સહયોગ સાથે મોટા પ્રતિનિધિમંડળો, વેપાર ઊદ્યોગકારોની સહભાગીતા માટે ખાતરી આપી હતી.  ગુજરાતના આ સર્વાંગી વિકાસથી પ્રભાવિત થતાં શ્રીયુત લોર્ડ તારીકે તેમની ભારત મુલાકાત વેળાએ ગુજરાત અવશ્ય આવશે જ તેમ જણાવ્યું હતું.

તેમણે પણ મુખ્યમંત્રીશ્રીને યુ.કે.ની મૂલાકાતે આવવા આમંત્રણ પાઠવવા સાથે ગુજરાતમાં કલાયમેટચેન્જ, સોલાર એનર્જી સહિતના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની પણ મહેચ્છા વ્યકત કરી હતી.  મુખ્યમંત્રીશ્રી સાથેની આ વર્ચ્યુઅલ મિટીંગને પગલે ત્યારબાદ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસે યુ.કે. ઇન્ડીયા બિઝનેસ કાઉન્સીલના ૪૦ જેટલા અગ્રણી પ્રતિનિધિઓ તેમજ ભારતના અન્ય પ્રતિષ્ઠિત ઊદ્યોગ-રોકાણકારો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

યુ.કે. ઇન્ડીયા બિઝનેસ કાઉન્સીલના આ પ્રતિનિધિઓ વિશ્વવ્યાપી કોરોના સંક્રમણની મહામારી વચ્ચે પણ ગુજરાતમાં ઊદ્યોગો-વેપારની જે ગતિ જળવાઇ રહી તેમજ ઉત્પાદન પ્રક્રિયા અને રોજગારીની રફતાર જળવાઇ રહી તેની વિગતો મેળવી અત્યંત પ્રભાવિત થયા હતા.
ગુજરાતની આ આફતને અવસરમાં પલટાવવાની ક્ષમતાની પ્રસંશા કરતાં કાઉન્સીલના વધુને વધુ સભ્યો ગુજરાતમાં આવનારા દિવસોમાં રોકાણો માટે ઉત્સુક છે એમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.

ઇન્ડેક્ષ-સી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમરાનીએ ગુજરાતમાં ઊદ્યોગોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અન્વયે સરળીકરણ તેમજ આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે અપાતા પ્રોત્સાહન-સહાયનું પ્રેઝન્ટેશન કર્યુ હતું.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની યુ.કે.ના સ્ટેટ મિનીસ્ટર શ્રીયુત લોર્ડ તારીક અહેમદ સાથેની વર્ચ્યુઅલ મિટિંગમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ગિફટ સિટીના એમ.ડી શ્રી તપન રે અને કલાયમેટચેન્જ વિભાગના અગ્ર સચિવ શ્રી હૈદર પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.