Western Times News

Gujarati News

ભારત-ચીન સીમા પર રાફેલ વિમાનોનો સઘન અભ્યાસ

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત-ચીનના સૈનિક સામસામે: ચિંતાજનક સ્થિતિ

લદ્દાખ, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત અને ચીનના સૈનિકો સામસામે છે. આ તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુ સેનાના પાયલોટ તાજેતરમાં જ ફ્રાન્સથી આવેલા રાફેલ ફાઈટર જેટનો રાત્રિના સમયે પહાડી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે પહાડી ક્ષેત્રમાં કોઈ પણ જાતના સંભવિત યુદ્ધની તૈયારી માટે વાયુ સેનાના પાયલોટ હિમાચલ પ્રદેશમાં રાફેલ જેટ સાથે ટ્રેઈનિંગ મેળવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં રાફેલની ટ્રેઈનિંગનું કારણ જો લદ્દાખ સેક્ટરમાં ૧,૫૯૭ કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ બગડે તો પાયલોટ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે તે છે. ફ્રાંસથી મળેલા ૫ રાફેલ ફાઈટર જેટ હિમાચલ પ્રદેશના પહાડી ક્ષેત્રોમાં રાતે ઉડાનનો અભ્યાસ કરી રહ્યા છે જેથી હવાથી હવામાં માર કરતી મિસાઈલ અને હવાથી જમીન પર માર કરતા હથિયાર વગેરેની સાથે ગોલ્ડન એરો સ્ક્વોડ્રન પણ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ફ્રાંસની કંપની ધસોલ્ટ એવિએશન પાસેથી ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો કરાર કરેલો છે. આ ડીલના પહેલા તબક્કામાં ભારતીય વાયુસેનાને ૫ રાફેલ વિમાન મળી ગયા છે જે ૨૯મી જુલાઈએ અંબાલા પહોંચ્યા હતા. એક સરકારી અધિકારી દ્વારા મળતા અહેવાલ પ્રમાણે પહાડી ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહેલા રાફેલ ફાઈટર જેટ્‌સને એલએસીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીનમાં તૈનાત પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના રડારમાં રાફેલની ફ્રિક્વન્સી ઓળખાઈ ન જાય તે માટે આવું કરવામાં આવી રહ્યું છે.

ફાઈટર જેટ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રાફેલનો ઉપયોગ લદ્દાખ સેક્ટરમાં પ્રશિક્ષણ માટે પણ થઈ શકે છે કારણ કે આ તમામ ફાઈટર જેટ્‌સ પ્રોગ્રામેબલ સિગ્નલ પ્રોસેસર (પીએસપી) કે દુશ્મનની સ્થિતિમાં સિગ્નલ ફ્રિક્વન્સી બદલવાની ક્ષમતાથી સજ્જ છે. નિષ્ણાંતોના મતે ચીની સેનાએ ભલે સ્પષ્ટ ઈલેક્ટ્રોનિક લાઈન ઓફ વ્યુ માટે અક્સાઈ ચીન ક્ષેત્રમાં પહાડની ટોચ પર પોતાના ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ રડારને તૈનાત રાખ્યા હોય પરંતુ યુદ્ધ સમયે રાફેલ બીજી ફ્રિક્વન્સી પર કામ કરી શકે છે. ચીને વિમાનોને પકડવા જે રડાર લગાવ્યા છે તે ખૂબ સારા છે કારણ કે તેણે અમેરિકી વાયુ સેનાને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરેલું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.