Western Times News

Gujarati News

પાટીદારના કેસો પાછા ખેંચવા સરકારની અરજી નામંજૂર થઈ

અમદાવાદ,  ગુજરાત સરકાર માટે પાટીદારોને રીઝવવાનું હવે વધારે અઘરું બનતું જઈ રહ્યું છે. ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ રાજ્યભારમાં ફાટી નીકળેલા તોફાનો વચ્ચે સરકાર દ્વારા અનેક પાટીદારો સામે જુદા જુદા ગુના સબબ કેસ દાખલ કરાયા હતા. જે પૈકી ઘણા સામે ક્રિમિનલ ગુના હેઠળની કલમ પણ લગાવવામાં આવી છે. જોકે ત્યારબાદ પાટીદાર સમાજને રીઝવવા માટે સરકારે જાહેર કર્યું હતું કે એવા પાટીદારો જેમના વિરુદ્ધ કોઈ ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો નથી તેમની સામેથી સરકાર કેસ પરત ખેંચશે. જોકે આ મામલે હવે સરકારને પીછેહઠ કરવી પડી શકે છે.

કારણ કે શહેરના મિર્ઝાપુર કોર્ટ કેમ્પસમાં આવેલ સેશન કોર્ટે સરકારની કેસ પરત ખેંચવાની અરજી ફગવતા કહ્યું કે આરોપીઓએ કોર્ટની કાર્યવાહીનો સામનો જરુર કરવો જોઈએ. મહત્વનું છે કે સરકારે ૨૦૧૭માં ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવા માટે જાહેરાત કરી હતી કે જેમની સામે બહુ સીરિયસ કાયદાની કલમો નથી લગાવવામાં આવી તેવા તમામ કેસને પરત ખેંચશે.

જે બાદ સરકારે કોર્ટમાં અપીલ કરતા આ તમામ કેસ પરત ખેંચવા માટે મંજૂરી માગી હતી.જોકે સેશન કોર્ટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ અરજીને ફગાવી દીધી હતી અને કાર્તિક પટેલ સહિત પાંચ વ્યક્તિ સામે કરવામાં આવેલ કેસને પરત ખેંચવાની મંજૂરી આપી નહોતી. તેમની સામે ૨૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ બોપલ પોલીસ દ્વારા બસ, બીઆરટીએસ સ્ટેન્ડ સહિતની જાહેર સંપત્તિને નુકસાન, હુલ્લડ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

નવેમ્બર ૨૦૧૭માં મેજિસ્ટેરિયલ કોર્ટ દ્વારા કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજીને નકારી કાઢતા જિલ્લા કલેક્ટર દ્વારા સેશન કોર્ટમાં અપીલન કરી હતી. પરંતુ સેશન કોર્ટે પણ મેજિસ્ટેરિયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખતા રાજ્ય સરકારની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું કે જો આ રીતે આરોપીઓને કોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ મુક્ત કરવામાં આવશે તો જેમણે આ કારણે ભોગવ્યું છે અથવા નુકસાન થયું તેમના માટે આ અન્યાય ગણાશે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.