Western Times News

Gujarati News

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ગોલ્ડન બ્રીજની જળ સપાટી ૩૩ ફૂટને પાર

અનેક નિચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશ્યા : ફુરજા બંદરે વેપારીઓના ગોડાઉન પાણીમાં ગરકાવ થતા મોટું નુક્શાન.

કોરોનાનો ભય ભૂલી ભરૂચવાસીઓ બે કાંઠે વહેતી નર્મદા નદીનો અદ્દભુત નજારો જોવા લોકો ઉમટ્યા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થતા પાણીનો પ્રવાહ સતત નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે.ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૩૩ ફૂટે પહોંચી ગઈ છે.જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશતા જનજીવન થપ્પ થઈ જવા પામ્યું હતું.તો કાંઠા વિસ્તારોના ખેતરોમાં પણ પાણી ફરીવળતા ખેડૂતોના પાકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂત પાયમાલ થવાની સ્થિતિ માં મુકાયો છે.જોકે પાણીનો પ્રવાહ સતત છોડવામાં આવનાર હોવાના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી હજુ પણ વધુ વટાવી શકે તેવી આશંકાના પગલે વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ચૂક્યુ છે.

ઉપરવાસમાં સતત મેઘમહેર થતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થતા બે દિવસથી પાણીનો પ્રવાહ સતત નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે.જેના કારણે નર્મદા નદીમાં સતત પાણીની આવક થતા ભરૂચ શહેર તેમજ ઝઘડિયા અને અંકલેશ્વરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે.જેના પગલે કાંઠા વિસ્તારમાં રહેતા અને પુર અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ જળ સપાટીમાં સતત વધારો થતા તંત્ર પણ ચિંતિત બન્યું છે.ભરૂચના દાંડિયા બજાર,કસક સ્થિત રોકડીયા હનુમાન,ભાગાકોટ ઓવારા,નવચોકી ઓવારા ,નવગ્રહ મંદિર સહીત ફુરજા બંદર માંથી પાણી શહેરી વિસ્તારોમાં પ્રવેશતા નિચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.

જેના કારણે દાંડિયા બજાર અને ફુરજા બંદરે એક સમયે વાહનો અને રાહદારીઓથી ધમધમતો વિસ્તાર હતો જ્યાં આજે પૂરની સ્થિતિના પગલે આજે નાવડાઓ ફરતા જોવા મળ્યા હતા.તો ફુરજા બંદર ચાર રસ્તા થી નાની બજાર સુધી પૂરના પાણી ફરી વળતા વેપારીઓની દુકાનમાં પાણી ઘુસ્યા હતા.જેના કારણે વેપારીઓની દુકાનોમાં પૂર ના પાણી ફરી વળતા વેપારીઓના માલસામાનને મોટું નુકશાન થવા પામ્યું હતું.પૂરના પાણીના કારણે જીવન જરૂરિયાત સામગ્રી લઈ જવા માટે પણ લોકોએ નાવડાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.જેના કારણે નાવડી સંચાલકોને પણ પોતાની રોજગારી મળી રહી હતી.તો ભરૂચના બહુચરાજી ઓવારે પણ પૂરના પાણી ઉપર સુધી પહોંચતા જર્જરિત ઈમારતમાં રહેતા લોકોની હાલત પણ કફોડી બની હતી.

નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા ફુરજા બંદરે થી ચાર રસ્તા નાની બજાર સુધી પહોંચી પહોંચતા પ્રદૂષિત પાણી જાહેરમાર્ગો ઉપર જ ભરાઈ રહ્યા છે.જેના કારણે પાણીમાં કચરાના ખડકલા અને તીવ્ર દુર્ગંધ મારતા સ્થાનિકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તો બીજી તરફ પૂરના પાણી ઓસર્યા બાદ ગંભીર રોગચારો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં વર્તાઈ રહી છે.ત્યારે પાણી ઓસર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાફ સફાઈ અને ડીડીટી પાવડર નો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે.

તો બીજી તરફ ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ શાંતિવન સ્મશાન સતત રહેણાંક વિસ્તારમાં હોવાના કારણે કોરોના પોઝિટિવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વિવાદ સર્જાયો હતો.જે બાદ વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ ના દક્ષિણ છેડે અંકલેશ્વર તરફ કોવિદ – ૧૯ સ્મશાન ઉભું કરાયું હતું.પરંતુ નર્મદા નદીમાં  સતત જળસ્ત્રોત વધવાના કારણે જળ સપાટીમાં સતત વધારો થતા કોવિદ -૧૯ સ્મશાન પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહોના અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવાની ફરજ પડી હતી.તો નર્મદા નદી માં સતત પ્રવાહ વધવાના કારણે વહીવટી તંત્ર દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તે જરૂરી છે.

ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશતા ની સાથે જ વીજ પુરવઠો ખોરવાયો હતો.જેના કારણે કેટલાય વિસ્તારોના લોકોએ અંધારપટમાં રાત વીતાવવાની ફરજ પડી હતી.જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.તો બીજી તરફ કોઈ મોટી હોનારતન સર્જાઈ તે માટે જીઈબી દ્વારા વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હોવાનું જીઈબીના અધિકારીઓ પાસેથી માહિતી સાંપડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.