Western Times News

Gujarati News

દીકરીનું અપહરણ કરી તેના પતિની હત્યા કરવામાં આવી

રાજકોટ: રાજકોટમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. બે દિવસ પહેલા યુવકની હત્યા થઈ હતી. જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર હકીકત એવી છે કે દિવ્યા ઉર્ફ તારા નામની યુવતીએ પરિવારજનોની ઇચ્છા વિરુદ્ધ છ મહિના પહેલા રાહુલ સોલંકી સાથે લવમેરેજ કર્યા હતા.

જેના કારણે દિવ્યાના પરિવારજનોને પોતાની સમાજમાં બદનામી થયાનું લાગતાં મનમાં લાગી આવતાં બધાએ એકસંપ કરી રાહુલના ઘરે જઇ તેના અને તેની માતા પર હુમલો કર્યો હતો અને દિવ્યાનું અપહરણ કરી ભાગી ગયા હતાં. રાહુલને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ટેકનિકલ સોર્સીસ મારફત તેમજ ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મોબાઇલના ટાવર લોકેશનનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન દિવ્યા સાથે કપડાના વર્ણનવાળી મહિલાઓ બેડી ગામ નજીક ઉભી હોઇ અને ત્યાંથી ભાગી જવાની વેતરણમાં છે તે બાતમી મળતાં ટીમ ત્યાં પહોંચી હતી અને દિવ્યાને મુકત કરાવી મહિલા આરોપીઓને પકડ્યા હતાં. બાકીના આરોપીઓ મોરબી ત્રાજપર ચોકડી પાસે અવાવરૂ જગ્યાએ છુપાયા હોવાની માહિતી મળતાં પોલીસ વેશપલ્ટો કરી મોરબી જીલ્લાની નંબર પ્લેટવાળા ટુવ્હીલર સાથે ત્યાં પ્હોંચી હતી અને તપાસ કરી આરોપીઓને દબોચ્યા હતાં. પોલીસને કપડાના વર્ણનવાળા આરોપીઓ નજરે પડતાં સકંજામાં લીધા હતાં. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર, વાહનો કબ્જે કર્યા છે અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.