Western Times News

Gujarati News

કૌભાંડી સસરાને છોડાવવા ર૯.પ૦ લાખ લીધા છતાં વધુ નાણાં માગતા પતિ વિરુધ્ધ ફરીયાદ

લાખો રૂપિયા લીધા છતાં જાનથી મારી નાખવાનાં પ્રયત્ન અને વારંવારની મારઝુડથી ત્રાસેલી મહીલા શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરની એક મહીલા પાસેથી તેના કૌભાંડી સસરાને છોડાવવા માટે પતિ સહિત સાસરીયાઓએ પંદર લાખ રૂપિયા લીધા હતા આ ઉપરાંત કાર તથા અન્ય રોકડ પણ લીધી હતી અને એટલાથી પણ પેટ ન ભરાતા પતિ વ્યવસાય માટે વધુ રકમની માંગણી કરી હતી મહીલાના પિતાએ વારંવાર સાસરીયાઓની માંગણીઓ પુરી કરવા છતાં તેમને સંતોષ ન થતાં મારઝુડ કરી મહીલાને મારી નાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ અંગેની ફરીયાદ તેણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ ઘટના અંગેની વિગત એવી છે કે વિશ્વાસબેન (ર૪) અસારવા, શાહીબાગ ખાતે રહે છે તથા બેંકમાં કલાર્ક તરીકે નોકરી કરે છે તેમના લગ્ન ર૦૧૬માં ડીસા બનાસકાંઠા મંગલપાર્ક ખાતે રહેતા કરણભાઈ ચંદુજી સાથે થયા હતા એ અગાઉ વર્ષ ર૦૧૪માં તેમના સસરા ચંદુજી ડગવા જે ડીસા તાલુકા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતા તેમની વિરુધ્ધ કૌભાંડના કેસ થયા હતા જેથી કરણભાઈ તથા તેમના પરીવારે ચંદુજીને છોડાવવા પરત આપવાની શરતે પંદર લાખ રૂપિયા લીધા હતા લગ્ન બાદ પણ તેમણે ભેટ સોગાદો, કરીયાવર, બુલેટ તથા સોના-ચાંદીના દાગીના મેળવ્યા હતા. ઉપરાંત કાર પણ લીધી હતી.

તેમ છતાં વિશ્વાસબેનની સાથે કરણભાઈ અવારનવાર મારઝુડ કરતા હતા ઉપરાંત પરીવારે ચઢામણી કરતાં કરણે વિશ્વાસબેનના મોંમા ગેસની પાઈપ નાખીને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને પિયરમાંથી વધુ દહેજ લાવવા તથા વિશ્વાસબેનને તેમના પિતાની ઓળખાણો છે જેથી ચંદુજીને છોડાવવા માટે દબાણ કર્યુ હતું ઉપરાંત કરણભાઈએ હોટલ વ્યવસાય શરૂ કરવા દસ લાખની માંગ કરી હતી ટુકડે ટુકડે રૂપિયા ર૯.પ૦ લાખ લીધા છતાં વિશ્વાસબેન સાથે મારઝુડ કરતાં સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈ તેમણે છેવટે પતિ કરણભાઈ સહીત સાત વિરુધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.