Western Times News

Gujarati News

લોકસભામાં કૃષિ સુધારા પર બે મહત્ત્વપૂર્ણ બિલ પસાર થવા બદલ અમિત શાહે પ્રધાનમંત્રીનો આભાર માન્યો

“મોદી સરકારના રૂપમાં પહેલી વાર કેન્દ્રમાં એવી સરકાર છે, જે રાતદિવસ ખેડૂતોના ઉત્થાન માટે કાર્યરત છે અને લોકસભામાં પસાર થયેલા સીમાચિહ્નરૂપ કૃષિ સુધારા બિલો આ દિશામાં અભૂતપૂર્વ પગલું છે” “મોદી સરકારના આ પથપ્રદર્શક કાયદા કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકશે અને ખેડૂતોને વચેટિયાઓમાંથી મુક્ત કરશે તેમજ તેમને અન્ય અવરોધો દૂર કરવામાં મદદ કરશે”

“આ બિલો ખેડૂતોને તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા નવા વિકલ્પો પ્રદાન કરશે, જે તેમની આવકમાં વધારો કરશે”

PIB Ahmedabad,  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે લોકસભામાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત બે મહત્ત્વપૂર્ણ બિલ પસાર થવા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભારતને એના મહેનતુ ખેડૂતો પર ગર્વ છે, જેઓ દેશની સંપત્તિ અને સમૃદ્ધિના પાયામાં છે. મોદી સરકાર સ્વરૂપે પહેલી વાર કેન્દ્રમાં એવી સરકાર છે, જે રાતદિવસ ખેડૂતોના ઉત્થાન માટે સતત કાર્યરત છે અને લોકસભામાં ગઈકાલે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત પસાર થયેલા બે ઐતિહાસિક બિલ આ દિશામાં અભૂતપૂર્વ પગલું છે.”

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, “મોદી સરકારના આ પથપ્રદર્શક બિલ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકશે અને ખેડૂતોને વચેટિયાઓમાંથી મુક્તિ આપશે તેમજ તેમને અન્ય અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થશે. આ બિલ ખેડૂતોને તેમના ઉત્પાદનોનું વેચાણ કરવાના નવા માધ્યમો પ્રદાન કરશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે.”

શ્રી અમિત શાહે એવું પણ કહ્યું હતું કે, “મોદી સરકારના આ ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ કૃષિ સુધારા ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે. હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરને આ બિલ પસાર થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”

લોકસભામાં ખેડૂતોના ઉત્પાદનો, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ, 2020 અને કિંમતની સુનિશ્ચિતતા પર ખેડૂતો (ઉત્થાન અને હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર થયા હતા.

ખેડૂતોના ઉત્પાદનો, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ, 2020માં એક ઇકોસિસ્ટમ ઊભી કરવા માટેની સુવિધા પ્રદાન કરવામાં આવી છે, જેમાં ખેડૂતો અને વેપારીઓને ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને ખરીદી કરવા સાથે સંબંધિત માધ્યમની પસંદગી કરવાની છૂટ આપવામાં આવી છે. આ બિલ ખેડૂતોને અન્ય રાજ્યોમાં અને રાજ્યની અંદર ખેતપેદાશોનું અસરકારક, પારદર્શક અને અવરોધમુક્ત રીતે વેચાણ સ્પર્ધાત્મક વૈકલ્પિક વેપારી માધ્યમો દ્વારા કરવા પ્રોત્સાહન આપીને વળતરદાયક અને લાભદાયક કિંમતો મેળવવાની સુવિધા આપે છે.

કિંમતની સુનિશ્ચિતતા પર ખેડૂતો (ઉત્થાન અને હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020માં કૃષિલક્ષી સમજૂતીઓ પર રાષ્ટ્રીય સ્તરનું માળખું પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે કૃષિ-વ્યવસાયમાં સંકળાયેલી કંપનીઓ, પ્રોસેસર્સ, હોલસેલર્સ, નિકાસકારો કે કૃષિ સેવાઓ માટે તેમજ પરસ્પર સંમત વળતરદાયક કિંમત પર ભવિષ્યમાં ખેતપેદાશોનું વેચાણ તટસ્થ અને પારદર્શક રીતે કરવા મોટા રિટેલર્સ સાથે જોડાણ કરવા ખેડૂતોને સક્ષમ બનાવે છે અને તેમના હિતો જાળવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.