Western Times News

Gujarati News

રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર

ગાંધીનગર, ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટરને મળશે. આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ઓગસ્ટ-2020માં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી. શરૂઆતના તબક્કામાં ખેતીને અનુકૂળ માફકસરનો વરસાદ થયો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદનના સંજોગો હતા, પરંતુ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકસાનના અહેવાલ છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે.

રાજ્ય સરકારે અવારનવાર જાહેરાત કરેલી છે કે રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલા નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.