Western Times News

Gujarati News

બોપલ ડમ્પ સાઈટની જગ્યા પર ઈકોલોજી પાર્ક તૈયાર થશે

મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પ સાઈટને કલીયર કરવા માટે વર્ષોથી વાયદા થઈ રહયા છે. પૂર્વ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ બે વર્ષમાં ડમ્પ સાઈટ દુર કરવાની જાહેરાત કરી હતી જેની મુદત પૂર્ણ થવા આવી છે. તથા અંતે ડમ્પ સાઈટનું બાયોમાઈનીંગ રાજકીય દાવપેચમાં અટવાઈ પડયુ છે. પરંતુ મ્યુનિ. હદમાં ત્રણ મહીના પહેલા જ સમાવિષ્ટ થયેલ બોપલ વિસ્તારની ડમ્પ સાઈટને દુર કરવા જાેરશોરથી કામ ચાલી રહયુ છે તેમજ ગણત્રીના મહીનાઓમાં જ ડમ્પ સાઈટના સ્થળે “ઈકોલોજી પાર્ક” તૈયાર કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

બોપલ વિસ્તારમાં ઈસરોની બાજુમાં પીરાણા જેવી ડમ્પ સાઈટ બની ગઈ છે. નગરપાલિકા દ્વારા યોગ્ય સમયે કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી બોપલમાં પણ કચરાનો ડુંગર બની ગયો હતો. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં બોપલનો સમાવેશ થયા બાદ કમિશ્નર અને હોદ્દેદારોએ બોપલ ડમ્પ સાઈટને દુર કરવા નિર્ણય કર્યો હતો. તેમજ પીરાણાની જેમ બોપલ ડમ્પ સાઈટ પર બાયોમાઈનીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જે ડીસેમ્બર ર૦ર૦ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. બોપલ ડમ્પ સાઈટની ખુલ્લી થયેલી જગ્યાનો અન્ય કોઈ રીતે ગેર ઉપયોગ ન થાય તે માટે તે સ્થળે જ બગીચો બનાવવા માટે કમિશ્નરે નિર્ણય કર્યો છે જેને “ઈકોલોજી પાર્ક” તરીકે પણ ઓળખવામાં આવશે.




મ્યુનિ. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર જીગ્નેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે બોપલ ડમ્પ સાઈટ દુર થયા બાદ અંદાજે રર હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે જેની પર ઈકોલોજી પાર્ક તૈયાર કરવામાં આવશે. ડમ્પ સાઈટ દુર થયા બાદ ખુલ્લી જમીનને ઓર્ગેનિક પધ્ધતિથી દુર્ગંધમુકત કરવામાં આવશે જેના માટે સુક્ષ્મ જીવાણીઓ અને બેકટેરીયાનો પણ ઉપયોગ થશે. જમીન દુર્ગંધમુક્ત થયા બાદ તેનું લેવલીંગ કરવામાં આવશે. ત્યારબાદ રર હજાર ચોરસ મીટર પર ઈકોલોજી પાર્ક બનાવવામાં આવશે જેમાં ગીચ જંગલ તથા તમામ પ્રકારના ફુલના રોપા લગાવવામાં આવશે. ઈકોલોજી પાર્કની ખાસિયત એ છે કે તેમાં તમામ જીવાણુઓ પક્ષીઓ તથા વૃક્ષ-છોડને સમાન સ્થાન મળે છે.

ઈકોલોજી પાર્કમાં વોક-વે, ચિલ્ડ્રન પ્લે એરીયા, ઓપન જીમ એરીયા, નાના બ્રીજ અને ફુવારા સાથેનું તળાવ, બારે મહીનાના ફુલ છોડ, બેસવા માટેના નાના ઓટલા વગેરે બનાવવામાં આવશે. ઈકોલોજી પાર્કમાં કંપાઉન્ડ વોલ, ડ્રેનેજ તથા પરકોલેશન વેલનું સિવીલ કામ થશે. જયારે બગીચા વિભાગ દ્વારા આકર્ષક લેન્ડ રઉપીગ બનાવવામાં આવશે. ઈકોલોજી પાર્ક માટે ટેન્ડર તૈયાર થઈ રહયા છે. ડમ્પ સાઈટ પર ઈકોલોજી પાર્ક બનાવવા માટે અંદાજે રૂા.સાત કરોડનો ખર્ચ થશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર ૦૬ મહીનામાં જ કામ પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. ડમ્પ સાઈટનો નિકાલ કરી તે સ્થળે બગીચો બનાવવા માટે મનપા દ્વારા આ પ્રથમ પ્રયાસ છે. દેશ અને રાજયના મોટા શહેરો પૈકી બે-ત્રણ સ્થળે જ આ રીતે બગીચા બનાવવામાં આવ્યા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.