Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવાયો

(પ્રતિનિધિ) મોડાસા 05062019: દુનિયાભરમાં ઉજવાતો પ્રકૃતિને સમર્પિત સૌથી મોટો ઉત્સવ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી  ગાયત્રી પરિવાર ,મોડાસા અગ્રણી કાર્યકર્તા હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર પર્યાવરણ બચાવ માટે ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શનમાં અનેક પ્રકારના આંદોલન ચાલી રહેલ છે જેમાં વૃક્ષ ગંગા અભિયાન, હરિતિમા સંવર્ધન, તરું પુત્ર -તરુ મિત્ર વિગેરે , ગંગા તેમજ અનેક સરિતાઓની સ્વચ્છતા અભિયાન,જળસ્ત્રોતો પ્રત્યે જાગૃતિ- જળ બચાવો અભિયાન, પ્લાસ્ટિકના વધુ ઉપયોગથી થતાં નુકસાનથી અવગત કરાવવા,સ્વચ્છતા અભિયાન, જૈવિક ખાતર-પ્રાકૃતિક ખેતી માટે શિબિરો, ગૌ સંવર્ધન-ગૌ આધારિત ઉપાદનો માટે પ્રશિક્ષણ શિબિરો જેવા અનેક પ્રકારના કાર્યક્રમો તેમજ વાતાવરણમાં રહેલી વાયુની વિષાક્તતાને શુદ્ધ કરવા ગાયત્રી યજ્ઞના વિરાટ આયોજન તથા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવે છે

પર્યાવરણની સુરક્ષા- સંરક્ષણ માટે રાજનીતિક તથા સામાજિક પ્રયત્નો દ્વારા પ્રકૃતિ સંતુલન માટે જાગૃતિ લાવવા માનવજાતને ઢંઢોળવા માટે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એ ખૂબ જ અગત્યનો દિવસ ગણાય પર્યાવરણથી આપણું તાત્પર્ય આપણી ચારે બાજુનું વાતાવરણ , તેમાં સમાયેલા તત્વો, પદાર્થો, માનવ-પ્રાણી-જીવજંતુ જે કંઈપણ પ્રકૃતિ દ્વારા મળેલ છે

જેનું સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.ત્યારે વૃક્ષો-વનોનું વધતું જતું નિકંદન,વાહનો- ઔદ્યોગિકરણથી વધતું વાયુ પ્રદુષણ,જળ સ્ત્રોતો પ્રત્યેની નિષ્કાળજી, પ્લાસ્ટિકનો બેહદ ઉપયોગ વધતી જતી ગંદકી, માંસ માટે પ્રાણીઓની હિંસા, ખેતીમાં વધતું જતું નુકશાનકારક દવાઓનો ઉપયોગ ,આગળ વધવાની અંધાધૂંધ હરિફાઈની હોડમાં પ્રકૃતિથી વિમુખ વધતું જતું અસંતુલિત જનજીવન વિગેરે અનેક કારણોથી પર્યાવરણને વધુ પડતું નૂકસાન થવાથી દિવસે દિવસે મોટી સમસ્યારૂપ ખતરો વધતો જાય છે ત્યારે આ પર્યાવરણ દિવસ દર વર્ષે સમગ્ર વિશ્વની માનવજાતને ઢંઢોળવા દિવાદાંડી સમાન ગણી શકાય તેમ તેમણે જણાવ્યું હતું

આજ રોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર, મોડાસાના સૌ સ્વયંસેવકો ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે સવારમાં એકત્રિત થયા. આ વિષય પર ચિંતન બેઠક યોજાઈ. કિરીટભાઈ સોની દ્વારા પર્યાવરણ બચાવ આંદોલનને વધુ વેગવાન બનાવવા માટે ખૂબ જ ગંભીરતાથી ગહનતાથી સૌને અનેક મુદ્દાઓ દ્વારા પર્યાવરણ સંતુલન માટે આપણે શું કરી શકીએ, પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ આપેલ સૂત્ર હમ બદલેંગે,યુગ બદલેંગા…મુજબ આપણે સ્વયં પર્યાવરણ બચાવ પ્રત્યે વધુ જાગૃતિ લાવી જનસમાજને સમજાવવા અથાગ પરિશ્રમ કરવો જોઈએ.

આ માટે ભાઈ બહેનોની વિશેષ બાર ટીમની રચના કરવામાં આવી હતી. આ વિશેષ જન જાગૃતિ અભિયાનની ચિંતન બેઠકમાં વિશેષરૂપે ધરમાભાઈ પટેલ, કાંતિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, રશ્મિકાંત પંડ્‌યા, મુકેશભાઈ સુરાની, અમૃતભાઈ પટેલ તેમજ અગ્રણી કાર્યકર્તાઓ તેમજ મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહી પર્યાવરણ બચાવ આંદોલનને વધુ વેગવાન બનાવવા સૌએ સંકલ્પ કર્યો હતો. ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ, હરિદ્વાર ખાતે પ્રમુખશ્રી ડા.પ્રણવ પંડ્‌યાજીના નેતૃત્વમાં પચાસ વૃક્ષો વાવવામાં આવ્યા.હરિદ્વાર શહેરમાં ૬૯ સંસ્થાઓને સીતા અશોકના છોડ તરુ પ્રસાદ રુપે વિતરણ કરવામાં આવ્યું. તેમજ પર્યાવરણ બચાવ અંગે વિશેષ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત દેશની ચાર હજાર જેટલી ગાયત્રી શક્તિપીઠ- સંસ્થાનોમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.