Western Times News

Gujarati News

હોમ, પર્સનલ સહિત લોન પર વ્યાજ માફ કરવા સરકાર તૈયાર

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન વેપાર, ધંધા ઉદ્યોગ અને વ્યક્તિગત લોન ગ્રાહકોને રાહત આપતા સરકારે મોરાટોરિયમ પીરિયડ જાહેર કર્યો હતો જોકે આ યોજનાનો લાભ લેનારા લોકોને હવે લોનના વ્યાજનું વ્યાજ ભરવું પડશે તેવી સ્થિતિ બની હતી. જેના કારણે આ રાહત એક મુશ્કેલીમાં ફેરવાય તેવું લાગી રહ્યું હતું પરંતુ હવે સરકાર આવા તમામ ગ્રાહકો જેમણે મોરાટોરિયમ પીરિયડનો લાભ લીધો છે તેમજ જેમની લોન ૨ કરોડ સુધીની છે તેમના મોરાટોરિયમ પીરિયડ પરના વ્યાજના વ્યાજને સરકાર માફ કરવા જઈ રહી છે.

સરકારે આ અંગે એફિડેવિટ કરતા નાણાં મંત્રાલયે જણાવ્યું કે સરકાર નાના લોન ગ્રાહકોને રાહત આપવા અને તેના કારણે બેંક પર વધતા વ્યાજના નાણાંનું ભારણ ઉઠાવવા માટે તૈયાર છે. સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મોરાટોરિયમ પીરિયડના કારણે બેંકો પર જે ભારણ વધ્યું છે તેને ઓછું કરવા માટે નાના લોન ગ્રાહકોની લોન પરના વ્યાજના વ્યાજ અથવા ચક્રવૃદ્ધી વ્યાજને સરકાર ભરશે. આ માટે સરકારે કેટલીક નિશ્ચિક કેટેગરીના લોન ગ્રાહકોનો આ યોજનામાં સમાવેશ કર્યો છે. જેમાં રુ. ૨ કરોડની મર્યાદા સુધીમાં લઘુ મધ્યમ કદના ઉદ્યોગ માટેની લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ લોન, ક્રેડિટ કાર્ડ ડ્યુઝ, ઓટો લોન, પર્સનલ લોન અને કન્ઝપ્શન લોનનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ પ્રકારની લોનના ગ્રાહકોને ૬ મહિના માટે મોરાટોરિયમ પીરિયડની મંજૂરી આપી હતી જોકે બેંક અને ફાઈનાન્સિંગ કંપનીઓ ગ્રાહકો પાસેથી આ ૬ મહિનાની જગ્યાએ લોનની ટોટલ એમાઉન્ટ પર વ્યાજ વસૂલી રહી છે. જે માટે મુદ્દલ અને વ્યાજ એ બંને સાથે લોન ગ્રાહકોની લોનનો ટેન્યોર ૬ મહિના જેટલો વધારી દેવામાં આવ્યો છે. હાલની આ લોન માટે લાયેબિલિટી વધારે હતી કારણ કે લોનમાં વ્યાજનો ભાગ સામાન્યરીતે ફ્ન્ટ લોડેડ હોય છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના બાકી રહેતા નાણાંમાં ભારે વૃદ્ધી થઈ છે. જે ઉચ્ચ વ્યાજદર સાથે આવે છે. બેંકર્સ દ્વારા જણાવાયું કે વ્યાજ માફીની આ યોજના જો હાલ જે કેટેગરી માટે જાહેર કરવામાં આવી છે

તેના પૂરતી જ સિમિત રહે તો અંદાજીત તે કુલ રકમ રુ.૫૦૦૦ કરોડથી ૬૦૦૦ કરોડ જેટલી થઈ શકે છે. જોકે આ યોજનાનો વ્યાપ વધારવામાં આવે અને તમામ લોન ગ્રાહકોને સમાવવામાં આવે તો આ આંકડો રુ. ૧૦૦૦૦થી ૧૫૦૦૦ કરોડ જેટલો થઈ શકે છે. બેંકો ઈચ્છે છે કે સરકાર સામાજીક કલ્યાણ તરીકે તમામ વ્યાજ માફીની ભરપાઈ કરે. ભૂતપૂર્વ સીએજી રાજીવ મહર્ષીની આગેવાનીમાં બનેલી નિષ્ણાંતોની કમિટીની સલાહ બાદ સરકારે પોતાનું વલણ બદલ્યું છે. આ પહેલા સરકાર અને આરબીઆઈએ એ આધાર પર વ્યાજ માફીને નકારી કાઢી હતી કે તે અન્ય હિતધારકો ખાસ કરીને બેંકમાં રુપિયા જમાકર્તાઓ અને જેમણે મોરાટોરિય પીરિયડની અવધી દરમિયાન પણ પોતાની લોન યોગ્ય રીતે ભરી છે તેમને અન્યાય થયો ગણાશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, આરએસ રેડ્ડી, એમઆર શાહની પીઠ દ્વારા સરકારને વ્યાજના વ્યાજ પર છૂટ ન આપવા અંગે વિચાર અને પુનર્વિચાર કરવા માટે ભાર આપ્યો હતો. કેન્દ્રે કહ્યું કે લોન ગ્રાહકોની તમામ કેટેગરીની શ્રેણીમાં વ્યાજ પર છૂટ આપવાથી તમામ પ્રકારની બેંકો પર ખૂબ જ વધારે પ્રમાણમાં આર્થિક ભારણ વધશે. જેના ભારતળે ઉભા રહેવું મુશ્કેલબનશે. તેમજ આ વ્યાજ માફી જમાકર્તાઓના હીતને પણ નુકસાન કરે છે તેથી સરકારે મોટા કરજદારોના વ્યાજને માફ નથી કર્યું.

મંત્રાલયે કહ્યું કે જો સરકાર ૬ મહિનાની અવધી માટે તમામ પ્રકારના લોન ગ્રાહકો જેમણે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા ૬ મહિનાના મોરાટોરિય પીરિયડનો લાભ લીધો છે તેમના તમામ પ્રકારના વ્યાજ માફ કરશે તો આ રકમ કુલ ૬ લાખ કરોડ રુપિયા જેટલી થઈ શકે છે. મંત્રાલયે કહ્યું કે જો બેંકોને આ વ્યાજ માફીનું ભારણ ઉઠાવવાનું આવે તો મોટાભાગની બેંકો નુકસાનીમાં જાય અને તેમના અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ શકે છે. જો ૬ મહિના માટે વ્યાજ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અડધી નેટવર્થ ખતમ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.