Western Times News

Gujarati News

શેરી ગરબા નહીં યોજી શકાય, પ્રસાદ વિતરણની પણ મનાઈ

પ્રતિકાત્મક

ગાંધીનગર: નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારોની ઉજવણીની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ મિનિટોમાં જ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષે કોરોનાને કારણે નવરાત્રીમાં કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. એટલું જ નહીં, આરતી બાદ પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. કારણકે, તેનાથી કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે. સરકારે માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરી પૂજા-આરતીની જ મંજૂરી આપી છે, જેમાં ૨૦૦થી વધુ વ્યક્તિઓ હાજર નહીં રહી શકે, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. સરકારે આજે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેનો ૧૬મી ઓક્ટોબરથી તેનો અમલ શરુ થશે.

જેમાં ખૂલ્લી જગ્યામાં જ ગરબી કે પછી મૂર્તિની સ્થાપના કરવા માટે પરમિશન અપાઈ છે. નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોઈ સરકારે આરતી માટે મંજૂરી આપી દીધી છે, પરંતુ પ્રસાદ વિતરણ પર મનાઈ ફરમાવી છે. એટલું જ નહીં, માતાજીના ફોટા કે મૂર્તિને કોઈ સ્પર્શી પણ નહીં શકે. વળી, આ કાર્યક્રમ માટે પણ સ્થાનિક તંત્રની મંજૂરી લેવાની રહેશે. આરતી દરમિયાન પણ ૨૦૦થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે, અને સમગ્ર પૂજાવિધિ એક કલાકની અંદર પૂરી કરી દેવાની રહેશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે

તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. એકબીજા વચ્ચે છ ફુટનું અંતર જળવાઈ રહે તે માટે ફ્લોર પર માર્કિંગ પણ કરવાનું રહેશે. આરતીમાં આવેલા લોકોને ફેસ માસ્ક ફરજિયાતપણે પહેરવાના રહેશે. આયોજકોએ થર્મલ સ્કેનર, ઓક્સિમીટર અને સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવાની રહેશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવી કોઈપણ મંજૂરી નહીં મળે. સરકાર દ્વારા લોકોને દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી પણ બને ત્યાં સુધી ઘરમાં રહીને જ કરવા માટે સલાહ આપી છે. નવરાત્રી દરમિયાન અને તેના પછી પણ કોઈપણ પ્રકારના મેળા, રેલી, શોભાયાત્રા કે રાવણદહનના કાર્યક્રમને પણ મંજૂરી આપવામાં નહીં આવે. જો આ નિયમોનો ભંગ થયો તો સંચાલકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિસ આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગઈકાલે જ જણાવ્યું હતું કે તહેવારોના દિવસોમાં કોરોના વકરે નહીં તે માટે ખાસ સાવધાની રાખવાની જરુર છે.

ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કોરોના થોડાઘણા અંશે કાબૂમાં આવ્યો છે. રોજેરોજ નોંધાતા કેસોની સંખ્યામાં સામાન્ય ઘટાડો પણ થયો છે. તેવામાં સરકારે પાર્ટીપ્લોટ્‌સ અને ક્લબોમાં ગરબાની મંજૂરી નહીં મળે તે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું. કેન્દ્ર સરકારે અનલોક ૫ની ગાઈડલાઈન બહાર પાડી ત્યારબાદ એવી અટકળો હતી કે સરકાર ૨૦૦ વ્યક્તિઓની મંજૂરી સાથે શેરીગરબાને મંજૂરી આપી શકે છે. જોકે, આજે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે શેરીગરબાને પણ મંજૂરી નહીં અપાય, અને આરતીમાં પણ કડક નિયમોનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.