Western Times News

Gujarati News

ભારતીયોની માથાદીઠ કમાણી બાંગ્લાદેશી કરતા ઓછી રહેશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે, અને તેમાંય કોરોનાએ જાણે પડતા પર પાટું માર્યા જેવો ઘાટ સર્જ્‌યો છે. આ સમયે જો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના લેટેસ્ટ રિપોર્ટ પર નજર કરવામાં આવે તો, હવે માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ બાંગ્લાદેશ જેવો ગરીબ દેશ ભારત કરતા આગળ નીકળવાની તૈયારીમાં છે. આઈએમએફના અંદાજ અનુસાર, ભારતની માથાદીઠ કાચી રાષ્ટ્રીય પેદાશ ૨૦૨૦માં ઘટીને ૧,૮૭૭ ડોલર થશે, જે ૧૦.૩ ટકા જેટલો ઘટાડો સૂચવે છે. સામે પક્ષે બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી આ જ ગાળા દરમિયાન ૪ ટકાના વધારા સાથે ૧,૮૮૮ ડોલર થશે.

થોડા વર્ષો પહેલા માથાદીઠ જીડીપીના મામલે ભારત બાંગ્લાદેશથી ઘણું આગળ હતું, પરંતુ બંને દેશો વચ્ચેનો તફાવત ધીરે-ધીરે ઘટી રહ્યો છે. ભારતની સરખામણીમાં બાંગ્લાદેશની નિકાસોમાં ઝડપી વધારા ઉપરાંત, બચત અને રોકાણમાં પણ વધારો થવાનું આ પરિણામ છે. જો આઈએમએફ દ્વારા વ્યક્ત કરાયેલો અંદાજ સાચો પડ્યો, તો ભારત માત્ર પાકિસ્તાન અને નેપાળ કરતા માથાદીઠ જીડીપીમાં આગળ રહી જશે.

તેનો મતલબ એવો પણ થાય છે કે, દક્ષિણ એશિયામાં ભૂતાન, શ્રીલંકા, માલદિવ્ઝ અને બાંગ્લાદેશ ભારત કરતા વધારે માથાદીઠ જીડીપી ધરાવતા હશે. વળી, આઈએમએફએ પોતાના રિપોર્ટમાં એવો અંદાજ પણ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે ભારતનો જીડીપી ઘટશે, જ્યારે નેપાળ અને ભૂતાનની જીડીપી વધશે. આઈએમએફ દ્વારા ભારતીય અર્થતંત્ર માટે જે અંદાજ વ્યક્ત કરાયો છે, તે આરબીઆઈ અને વર્લ્‌ડ બેંકના અંદાજ કરતા પણ નીચો છે. આરબીઆઈએ ભારતના જીડીપીમાં ૯.૫ ટકા જ્યારે વર્લ્‌ડ બેંકે ૯.૬ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જ્યારે, આઈએમએફ દ્વારા તેમાં ૧૦.૩ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કરાયો છે. પોતાના રિપોર્ટમાં આઈએમએફએ જણાવ્યું છે કે, ઈટાલી અને સ્પેન બાદ સમગ્ર વિશ્વમાં ભારતના જીડીપીમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી શકે છે. જે વિકાસમાન અને ઉભરતા અર્થતંત્રમાં સૌથી વધારે હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.