Western Times News

Gujarati News

અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેનનું કામ L&Tને મળવાની શક્યતા

૨૭૩ કિમીના કોરિડોર માટે ૨૪,૯૮૫ કરોડની બોલી, ટાટા પ્રોજેક્ટ અને એફકોન્સ પણ રેસમાં સામેલ હતા

અમદાવાદ/મુંબઈ, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પહેલા ફેઝના કામનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)ને મળવાનું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. આ કામની બિડમાં કંપનીએ ટાટા પ્રોજેક્ટ અને એફકોન્સને પાછળ છોડી દીધા છે. એલએન્ડટીએ ૨૭૩ કિમીનો કોરિડોર તૈયાર કરવા માટે રૂ. ૨૪,૯૮૫ કરોડની બોલી લગાવી છે. જે ભારતના ઈન્ફ્રા પ્રોજેક્ટની અત્યાર સુધીની સૌથી નીચી બોલી છે. સરકારે સોમવારે બિડ્‌સ ખોલી હતી.

રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન વી કે યાદવે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પર આવતા મહિનાથી કામ શરૂ થશે. બે શહેરો (અમદાવાદ-મુંબઈ)ને વચ્ચેના અંતરને ઘટાડી બે કલાકનું કરનારા આ હાઈ સ્પીડ-રેલ પ્રોજેક્ટની ડિઝાઈન અને કન્સ્ટ્રક્શનના કામ માટે ત્રણ કંપનીઓની ટેકનિકલ બિડ્‌સ આવી હતી. આ બિડ્‌સ સપ્ટેમ્બરમાં ખોલવામાં આવી હતી અને એલએન્ડ ટી, ટાટા પ્રોજેક્ટ-જે કુમાર ઈન્ફ્રા-એચએચઆર સંયુક્ત રીતે અને એફકોન્સ-ઈરકોન-જેએમસી પ્રોજેક્ટ્‌સ ક્વોલિફાઈડ થયા હતા. ૫૦૮ કિમીના આ કોરિડોર માટેની નોડલ એજન્સી ધ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસી) ટૂંક સમયમાં એલએન્ડટીને કોન્ટ્રાક્ટ આપશે અને આ કામ પુરું કરવા માટે ૪૮ કલાકની ડેડલાઈન નક્કી કરી છે. એનએચએસઆરસીના અધિકારીઓએ કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે લગભગ ૮૩ ટકા જમીન સંપાદન કરી દેવાયું છે. જેમાંથી મોટાભાગની ગુજરાતમાં સંપાદિત કરવામાં આવી છે, જ્યારે ૨૩ ટકા મહારાષ્ટ્રમાં મેળવાઈ છે. કુલ ૫૦૮ કિમીના કોરિડોરનો મોટો ભાગ ૩૪૯ કિમી ગુજરાતમાંથી પસાર થાય છે.

મહારાષ્ટ્રમાં જમીન સંપાદન અને કોવિડ મહામારીના કારણે શિડ્યુલ્સ ખોરવાઈ ગયું છે. રેલવે બોર્ડને આશા છે કે, હાઈ સ્પીડ ટ્રેન રૂટ ગુજરાતમાં પહેલા ઓપરેટ થવાનું શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટને જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ફાઈનાન્સ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.