Western Times News

Gujarati News

અમદાવાદ-કેવડિયા સી પ્લેન બે દિવસ મેઈન્ટેનન્સ માટે બંધ

અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે ૧ નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. જે બાદ મંગળવારે એટલે ૩ નવેમ્બરનાં રોજ પહેલીવાર શિડ્યુલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચારેય ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત ૫ દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઈન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે. એટલે જ્યાં સુધી અન્ય સી પ્લેન નહીં આવે ત્યાં સુધી સી પ્લેન સાત નહીં

પરંતુ પાંચ દિવસ જ ઉડાન ભરશે તેવી સંભાવના છે. ૪ અને ૫ નવેમ્બરના રોજ સી પ્લેન બંધ રહેશે અને ૬ નવેમ્બરથી ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થઇ જશે. સી પ્લેન શરૂ થયાના ત્રીજા દિવસે એટલે મંગળવારે પ્રથમવાર અમદાવાદ અને કેવડિયાથી બે-બે એમ ચાર ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ ૧૫ મુસાફરોથી પેક હતી.

પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં ૬૦ ટકા મુસાફરો હતા. શહેરમાં સી-પ્લેનની સેવા શરૂ થયા બાદથી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી મળી ૧ થી ૩ નવેમ્બર સુધી ત્રણ દિવસમાં ૮૦ પેસેન્જરે મુસાફરી કરી છે. પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી. જેમાં કેવડિયા ૬ પેસેન્જરો ગયા હતા જ્યારે રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી.

બીજા દિવસે પણ એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ જેમાં જતાં ૧૪ પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં ૮ પેસેન્જર હતા. ત્રીજા દિવસે શિડ્યુલ પ્રમાણે બન્ને ફ્લાઈટ ઓપરેટ થઇ હતી. મળતી માહિતી પ્રમાણે, સી પ્લેનનું બીજું એરક્રાફ્ટ અને ઓપરેટ કરવાની ટીમ નહીં આવે ત્યાં સુધી આ જ રીતે સપ્તાહમાં પાંચ દિવસ તે ઓપરેટ થશે. એટલે તમે જો સી પ્લેનમાં ઉડાન ભરવા માંગતા હોવ તો આ વાતને ધ્યાનમાં રાખીને જ કોઇ આયોજન કરજો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.