Western Times News

Gujarati News

ઓનલાઈન શૈક્ષણિક કેમ્પ અને લર્નિગ  દ્વારા બાળકો અને શિક્ષકોને નવી દિશા મળી

સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ઓનલાઇન સમર કેમ્પ શરૂ કરનાર શિક્ષકને સર ફાઉન્ડેશન નો ઇનોવેશન એવોર્ડ એનાયત કરાશે

સમર કેમ્પમાં શાળાના ૧૨૦૦ જેટલા વિધાર્થીઓ  અને  ૩૦૦ જેટલા શિક્ષકો – વિવિધ શૈક્ષણિક સંસ્થાને જોડી શિક્ષણની જ્યોત જગાવી….

 ‘શિક્ષણ છે તો જ સર્વસ્વ છે’..

આ વાત અનેક ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ પણ પુરવાર થઇ ચૂકી છે.   

આજના પ્રવર્તમાન સમયમાં શિક્ષણમાં ટેકનોલોજી નો ભરપુર ઉપયોગ કરી શિક્ષણમાં અદ્યતન આમૂલ પરિવર્તન આવ્યું. બાળકો શાળામાં  શિક્ષણ મેળવી પ્રવૃત્તિ દ્વારા નવું નવું શીખી શકે અને વિવિધ રમતોમાં પોતાના કૌશલ્ય નો વિકાસ કરી શકે  તે માટે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નિશીથ આચાર્ય એ વિવિધ નવતર પ્રયોગ કર્યા છે. તેઓએ ચાલુ વર્ષે કોરોના મહામારી દરમિયાન  લોક ડાઉન ના સમયમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળક જ્ઞાનનું સર્જન કરી શકે તે હેતુ સાથે સમગ્ર રાજ્યમાં ઓનલાઇન સમર કેમ્પ ચલાવ્યો. જેમાં વિવિધ શાળાના ૧૨૦૦ જેટલા વિધાર્થીઓ જોડાયા અને  ૩૦૦ જેટલા શિક્ષકો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થા પણ જોડાઈ હતી.

દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળાના  મુખ્ય શિક્ષક નું મૂળ વતન અમદાવાદ જિલ્લાનું ધંધુકા ગામ છે તેઓએ અત્યાર સુધી શૈક્ષણિક ઈનોવેશન માટે અનેક નવતર પ્રયોગો નું આયોજન કરેલ છે જેમાં સમગ્ર શિક્ષણ ને ધ્યાનમાં રાખી નીત-નવા આ અભિગમ દ્વારા બાળકોને અને તેઓના વાલીને શિક્ષણ સાથે જોડવા સાથે શાળા અને ગામનો પણ વિકાસ જોડાયેલો છે. તેઓના આ નવતર અભિગમ ની નોંધ જિલ્લાના ઇનોવેશન ફેર અને એજ્યુકેશન બેંક અમદાવાદ આઇઆઇએમ દ્વારા  લેવામાં આવેલ છે. મુખ્ય શિક્ષક તરીકે તેઓ કહે છે કે, ‘ દરેક બાળક ખાસ છે… દરેક બાળકમાં અલગ-અલગ કાર્ય કરવાની અને અભ્યાસ કરવાની ક્ષમતા રહેલી છે… શિક્ષક તરીકે માત્ર આપણે તેઓના યોગ્ય માર્ગદર્શક બની તેઓને નવસર્જન દ્વારા દુનિયાના દર્શન કરાવવાના  છે….’

સર ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર  દેશમાંથી ૨૫ જેટલા શિક્ષકો તથા ગુજરાત રાજ્યમાંથી ૯ જેટલા શિક્ષકો ની તેઓએ કેટલાક વિશિષ્ટ કાર્ય મુજબ પસંદગી કરવામાં આવી છે. તેમાં નિશીથ આચાર્ય ના ઇનોવેશનને પણ સ્થાન મળ્યું છે. ઇનોવેશન માટે નવતર વિચાર, તેનું અમલીકરણ અને તેના પરિણામ ને આધારે સમગ્ર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે…

સર ફાઉન્ડેશન, સોલાપુરના સંયોજક દ્વારા મળેલ માહિતી મુજબ ચાલુ વર્ષે કોરોના મહામારી હોવા છતાં શિક્ષકો દ્વારા બહોળી સંખ્યામાં નવતર પ્રયોગો કરવામાં આવ્યા. જેમાંથી પસંદ થયેલ શિક્ષકોને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એટલે કે યુવા દિવસ ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ યોજાનાર રાષ્ટ્રીય કાર્યશાળામાં આવા સમગ્ર દેશના ઇનોવેટિવ ટીચર્સનું સન્માન કરવામાં આવશે અને જો કોરોના મહામારી ને લીધે જો કોન્ટેસ્ટનું આયોજન નહીં થાય તો વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા પણ સન્માન સમારોહ યોજી અને શિક્ષકોને સમ્માનિત કરવામાં આવશે…

ટેકનોલોજી, સંવેદના અને કોઈ પણ ભોગે બાળકોને ભણાવવાની  ધગશને પગલે નિશીથભાઈની પસંદગી એ અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે..  સલામ છે આવા કર્મનિષ્ઠ શિક્ષકોને…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.