Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનમાં દિવાળી સમયે મંદીનો માહોલ

રૂા.૧૦૦ કરોડના પેમેન્ટ અટવાયાઃ સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ કોરોના માટે ખર્ચ થઈ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનની તિજાેરી પર કોરોના કહેરની અસર જાેવા મળી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં આર્થિક ભીંસ વધી રહી છે. જેના કારણે, કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ પણ અટવાયા છે. રાજ્ય સરકાર તરફથી છેલ્લા છ મહિનામાં મનપાને કોઈ રકમ આપવામાં આવી ન હોવાથી તિજાેરી ખાલી થઈ રહી છે. જેની અસર રોડ-રસ્તા અને પ્રજાકીય કામો પર જાેવા મળી રહી છે. બીજી તરફ ડામર સપ્લાયમાં પણ ધાંધિયા હોવાથી રોડનાં કામો લગભગ ઠપ્પ થઈ ગયા છે.

કોરોના અને લોકડાઉનના કારણે વૈશ્વિક મંદીનો દૌર ચાલી રહ્યો છે. ખાનગી ઉદ્યોગ-ધંધાઓની સાથે સાથે સરકારી સંસ્થાઓમાં પણ મંદીની અસર જાેવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન પણ આ મંદીની ઝપટમાં આવી ગયું છે. જેના કારણે ચૂંટણીના વર્ષમાં પહેલા વિકાસના કામો પર બ્રેક મારવામાં આવી હતી. જ્યારે છેલ્લા પખવાડિયાથી પેમેન્ટ પર બ્રેક વાગી ગઈ છે. સૂત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પાેરેશન છેલ્લા એક દાયકાથી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ પર નિર્ભર છે. સરકાર દ્વારા દર વર્ષે સ્વર્ણિમ ગ્રાન્ટ પેટે રૂા.૬૫૦ કરોડ જેટલી રકમ આપવામાં આવે છે. જેમાંથી વિકાસ અને પ્રજાકીય કામો થાય છે. પરંતુ ચાલુ વરસે સરકાર તરફથી ગ્રાન્ટ પેટે મોટી રકમ આપવામાં આવી નથી. જુન મહિનામાં સ્વર્ણિમ અંતર્ગત રૂા.૪૫૦ કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ આ રકમ “કોરોના”માં ખર્ચ થઈ ચૂક્યા છે.

મ્યુનિ.કોર્પાેરેશને કોરોના માટે રૂા.૪૨૫ કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કર્યા છે. જેની સામે સરકાર દ્વારા રૂા.૬૪ કરોડ જ પરત આપવામાં આવ્યા છે. આમ, સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ લગભગ કોરોના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ છે. લોકડાઉનના કારણે મિલ્કતવેરાની આવકમાં પણ રૂા.૧૬૦ કરોડનો ધરખમ ઘટાડો થયો છે. આમ, આવકના સ્ત્રોત ઓછા થવાના કારણે મનપામાં આર્થિક કટોકટી જાેવા મળી રહી છે. જેના કારણે કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ અટવાયા છે. સામાન્ય રીતે દિવાળી પહેલા મોટા પેમેન્ટના ચૂકવણા થતા હોય છે.

પરંતુ આ વરસે પાંચ-દસ લાખ રૂપિયાના પેમેન્ટ થઈ રહ્યા છે. જ્યારે મોટા પેમેન્ટ રોકી રાખવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ રૂા.૯૫ કરોડના બીલ મંજૂર થઈ ગયા છે. પરંતુ નાણાંના અભાવે પેમેન્ટ થઈ શક્યા નથી. દિવાળી સુધીમાં રૂા.૨૫૦ કરોડના પેમેન્ટ કરવાના રહેશે. પરંતુ આ તમામ પેમેન્ટ સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેશે. મ્યુનિ.કોર્પાેરેશન તરપથી સમયસર પેમેન્ટ થતા ન હોવાના કારણે કામોની ઝડપ પર બ્રેક વાગી છે. જાણકારોનું માનીએ તો દિવાળી બાદ જ પણ આવી જ પરિસ્થિતિ રહેશે તો ચૂંટણી સમયે “વિકાસ”ના કામો માટે ફીકસ્ડ ડીપોઝીટ તોડવાની નોબત આવી શકે છે. જાે કે, રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા ગ્રાન્ટ આપવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ.કોર્પાેરેશન નાણાંકીય ભીડના કારણે બજેટના કામો પર રોક લગાવી છે. પૂર્વ મ્યુનિ.કમિશનરે જે “સ્માર્ટ જુમલા” બજેટ રજૂ કર્યું હતું. તેમાંથી “જુમલા” દૂર કરવામાં આવ્યાં છે. મોડેલ રોડ પ્રોજેક્ટને અભરાઈએ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત ૩૦૦ ઈલેક્ટ્રીક બસના વિવાદાસ્પદ ઓર્ડરને પણ રદ કરવામાં આવ્યો છે. તદુપરાંત સ્માર્ટસીટીના પણ કેટલાંક પ્રોજેક્ટ હાલ પૂરતા બંધ રાખવા માટે નિર્ણય થયો છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.