Western Times News

Gujarati News

શહેરના સુઅરેજ નેટવર્ક અપગ્રેડ કરવા વર્લ્ડ બેંક રૂા.૨૧૦૦ કરોડની લોન આપશે

મનપા રૂા.ત્રણ હજાર કરોડનો ડીપીઆર સબમીટ કરશેઃ વર્લ્ડ બેંક ૭૦ ટકા સહાય આપશેઃ ખારીકટ કેનાલ પણ ડેવલપ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ત્રણ ઝોનને આવરી લેતી અંદાજે ૨૨ કિલોમીટર લંબાઈની ખારીકટ કેનાલને ડેવલપ કરવા માટે તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે વર્લ્ડ બેંક તરફથી લોન આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યા બાદ પ્રોજેક્ટ ખર્ચની ૭૦ ટકા રકમ વર્લ્ડ બેંક તરફથી આપવામાં આવશે. જ્યારે બાકી ૩૦ ટકા રકમ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તેમજ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે.

અમદાવાદ શહેરની સુઅરેજ સીસ્ટમને વધુ સુદૃઢ કરવા માટે મનપા તરફથી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં ૨૦૪૫ની સંભવિત વસ્તીને ધ્યાનમાં લઈને સુઅરેજ તેમજ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. તદુપરાંત એશિયાની સૌથી મોટી ભૂગર્ભ ક્ચરાપેટી માનવામાં આવતી ખારીકટ કેનાલને ડેવલપ કરવામાં આવશે. મ્યુનિ.કોર્પાેરેશન સૂત્રોએ જણાવ્યા મુજબ ખારીકટ કેનાલને ડેવલપ કરવા માટે રૂા.૩૦૦ કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

લગભગ પાંચ વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલી ડીઝાઈન મુજબ ખારીકટ કેનાલના લેવલને બંને તરફના રોડની સમાંતર કરવામાં આવશે. ખારીકટ કેનાલની ઉંચાઈ બંને તરફના રોડ કરતા વધારે છે. જેના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાય છે. કેનાલની ઉંચાઈને ઓછી કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થશે. તદુપરાંત કેનાલ પર આર.સી.સી.સ્લેબ બનાવી ફોર લેન રોડ પર બની શકે તેમ છે. જે તે જગ્યાના ફીઝીકલ રીપોર્ટના આધારે તેનો અમલ થશે.

 

મ્યુનિ.કોર્પાેરેશન પાંચ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવા માટે નિર્ણય કર્યા છે. શહેરના પૂર્વ પટ્ટામાં આવેલા ૧૦૬ એમ.એલ.ડી.જુના પીરાણા પ્લાન્ટ, ૬૦ એમ.એલ.ડી.તથા ૧૮૦ એમ.એલ.ડી. તેમજ પશ્ચિમ વિસ્તારના ૧૨૬ એમ.એલ.ડી. વાસણા અને તેની બાજુમાં આવેલા ઔડા દ્વારા નિર્મિત ૨૪૦ એમ.એલ.ડી. પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવશે. હાલ, આ તમામ પાંચ પ્લાન્ટની કુલ ક્ષમતા ૭૧૨ એમ.એલ.ડી. છે. અપગ્રેડ કર્યા બાદ તેની ક્ષમતા ૩૨૯ એમ.એલ.ડી.વધી કુલ ૧૦૪૧ એમ.એલ.ડી. થશે. નવા પ્લાન્ટ બનાવ્યા સિવાય જ એસ.ટી.પી.ની ક્ષમતા વધશે.

વર્લ્ડ બેંકમાં સબમીટ કરવા માટે તૈયાર કરવામાં આવેલા ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટમાં ત્રણ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રીસાયકલ એન્ડ રી યુઝ સીસ્ટમનો વધુ અમલ થાય તે માટે ત્રણ ટી.ટી.પી.બનાવવામાં આવશે. શહેરના આશ્રમ રોડ પર વી.એસ.હોસ્પિટલથી વાડજ સુધી માઈક્રો ટનલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જ્યારે જશોદાનગરથી રાણીપુર પાટીયા સુધી માઈક્રો ટનલ પ્રોજેક્ટ મંજૂર થયો છે. વર્લ્ડ બેંક સહાયથી માઈક્રો ટનલ પ્રોજેક્ટની લંબાઈમાં વધારો થશે. તેમજ નરોડા, પાટીયાથી જશોદાનગર સુધી નવી ટ્રન્કમેન સદર પ્રોજેક્ટ અંતર્ગત નાંખવામાં આવશે.

જ્યારે બોપલથી નદી સુધી માઈક્રો ટનલ માટે વિચારણા થઈ શકે છે. સદર ડીપીઆરમાં ટ્રન્કમેન લાઈનોના રીહેબીલીટેશન માટે પણ દરખાસ્ત રજૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારની જેએનએનયુઆરએમ અંતર્ગત બનાવવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનમાં સુધારા વધારા કરવા તેમજ નવી સ્ટ્રોમ લાઈન નાંખવા માટે પણ અભ્યાસ થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશને એન.આર.સી.પી.અંતર્ગત તળાવ ડેવલપમેન્ટ માટે ડીપીઆર સબમીટ કર્યા છે. એન.આર.સી.પી.માં મંજૂરી તથા ફંડીગમાં વિલંબ થાય તો વર્લ્ડ બેંક પ્રોજેક્ટમાં તળાવ ડેલપમેન્ટનો પણ સમાવેશ થઈ શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.