Western Times News

Gujarati News

પુત્રીને મોબાઈલ ન અપાવી શકતા પિતાની આત્મહત્યા

Files Photo

સુરત: કોરોના મહામારીમાં અનેક પરિવારોએ નોકરી ગુમાવી છે પોતાના પરિવારનો ખર્ચ કઇ રીતે કરે તે પણ સમજાતુ નથી. ત્યારે આવા અનેક કિસ્સાઓમાં માનસિક તાણને કારણે ઘરના મોભીએ આપઘાત કર્યાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે સુરતમાં એક અન્ય આવી ઘટના સામે આવી છે. એક પિતા પોતાની ધોરણ ૧૦માં ભણતી દીકરીના ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન કરી શકતા માનસિક તાણ અનુભવતા હતા.

ત્યારે પિતાએ આ માનસિક તાણને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુરતના ડુમસ રોડ પર આવેલા ગવિયર ગામ ભાઠીયા ફાર્મમાં વિવેક ફાર્મ ખાતે રહેતા બાપીભાઈ ઉલકાભાઈ નાયક તેજ ફાર્મ હાઉસમાં માળી અને વોચમેન તરીકે કામ કરતા હતા. ચાર બાળકો સહિત ૬ સભ્યોના પરિવારના જીવન નિર્વાહમાં ઓછા પગારના કારણે તકલીફ પડતી હતી.

તેમાં તેમની પુત્રી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હોવાથી તેને ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે મોબાઈલ ફોન તેમજ ઈન્ટરનેટની પણ જરૂરીયાત ઊભી થતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરિવરનું ભરણપોશણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેમાં પણ પુત્રીના અભ્યાસ માટે મોબાઇલ ફોન ક્યાંથી લાવવો આ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પિતા સતત માનસિક તાણમાં રહેતા હતા. ગતરોજ બાપી ભાઈ આવેશમાં આવી જઈને તાપી નદી કિનારે આવેલા એક ઝુપડામાં જઈ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણકારી મળતા બાપીભાઈના પરિવર સાથે પોલીસ પણ બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.