Western Times News

Gujarati News

સુરત ખાતે સ્પા ચલાવતા પતિએ પત્નીને કાઢી મૂકી

Files Photo

સુરત: આજે ધનતેરસ છે. આજે લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. પરિવારની મહિલાઓ અને દીકરીઓને પણ લક્ષ્મી જ ગણવામાં આવે છે. અનેક લોકો આ દિવસે ઘરની લક્ષ્મી એવી મહિલાઓનું પૂજન કરતા હોય છે. જોકે, આજના જ દિવસે સુરતમાં એક પતિએ દહેજ માટે તેની પત્નીને કાઢી મૂક્યાના બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહિલાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ તેની સાથે દારૂ પીને મારપીટ કરતો હતો.

મહિલાના લગ્નને ૧૫ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સરથાણા જકાત નાકા પાસે રહેતી ૩૨ વર્ષીય યુવતીના લગ્ન ૨૦૦૪માં અલ્પેશ ડોન્ડા નામના યુવક સાથે થયા હતા. દામ્પત્ય જીવનથી પતિ અને પત્નીને હાલ ત્રણ સંતાન છે. જોકે, લગ્ન બાદ પતિએ અને સાસરિયાઓએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

જે બાદમાં મહિલાએ વર્ષ ૨૦૧૩માં પતિ અને સાસરિયાઓ સામે માનસિક ત્રાસનો કેસ કર્યો હતો. જોકે, આ કેસમાં પતિ અને પત્ની વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જે બાદમાં મહિલાએ કેસ પાછો ખેંચી લીધો હતો. જોકે, સમાધાન પછી પણ મહિલાની મુશ્કેલી ઓછી થઈ ન હતી. પતિ અવારનવાર દારૂ પીને તેની સાથે મારપીટ કરતો હતો. સમાધાનના એક વર્ષ બાદ પતિએ તેની પત્નીને કહ્યું હતું કે, મેં તો તારી સાથે કોર્ટમાં કેસ પરત ખેંચવા માટે સમાધાન કર્યું હતું. તું મને ગમતી નથી. તારા જેવી મારી પાસે ઘણી છે. હું કરોડપતિ છું. તારા કરતા સારી હું રોજ નવી ખરીદી શકું. મહિલાની ફરિયાદ પ્રમાણે તેની સાસુ નાની નાની વાતમાં મ્હેંણા ટોણા મારતી હતી.

તેમજ એવું કહેતી હતી કે, તે મારા છોકરાની જિંદગી બરબાદ કરી છે. તે જે ધંધે કરે તેના વિશે કોઈને કહેવું નહીં. તારે ઘરમાં ચૂપચાપ પડ્યા રહેવાનું. મહિલાની ફરિયાદ પ્રમાણ તેના સસરા પણ તેને અપશબ્દો બોલતા હતા અને ઘરમાંથી બહાર નીકળવા દેતા નહીં. મહિલાએ ફરિયાદમાં લખ્યું છે કે તેના પતિએ તેની બહેન પર પણ નજર બગાડી હતી. એટલું જ નહીં પતિ એવું કહેતો હતો કે તેણે કાજલ નામની કોઈ યુવતી સાથે મૈત્રી કરાર કરી લીધા છે. મહિલાની ફરિયાદ પ્રમાણે પતિ આવું કહીને તેની સાથે દારૂના નશામાં મારપીટ કરતો હતો. મહિલાનો પતિ સ્પા ચલાવતો હોવાની માહિતી મળી છે. મહિલાની ફરિયાદ છે કે તેનો પતિ નવી નવી છોકરીઓને તેના ઘરે લાવતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.