Western Times News

Gujarati News

NCCના 72મા રાઇઝિંગ ડેની ઉજવણી પરેડ અને રક્તદાન શિબિરોના આયોજન સાથે કરવામાં આવી

દર વર્ષે NCC દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે NCC દિવસની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે 22 નવેમ્બરના રોજ હતો. આ ઉજવણીના ભાગરૂપે તમામ NCC ખાતે નાની પરેડ, ધ્વજવંદન અને રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે કોવિડ સંબંધિત તમામ માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું. NCC દિવસના પ્રસંગે, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિદેશક મેજર જનરલ રોય જોસેફે ગુજરાત નિદેશાલયના તમામ કેડેટ્સ અને સ્ટાફને NCC દિવસ 2020ની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2020 અલગ પ્રકારના પડકારો ભર્યું પસાર થયું છે. NCC ગુજરાત નિદેશાલયના તમામ કેડેટ્સ અને કર્મચારીઓ NCCના ઉદ્દેશનું પાલન કરવાની સાથે સાથે આ પડકારોને અસરકારક અને કાર્યદક્ષ રીતે સામનો કર્યો છે. ગત વર્ષ નોંધણીય ઘટનાઓને ફરી યાદ કરતા તેમણે વર્ષ 2020ના આરંભમાં પ્રજાસત્તાક દિવસ શિબિર નિમિત્તે ગુજરાત નિદેશાલયમાં કેડેટ્સ દ્વારા અપાયેલા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ યાદ કર્યું હતું.

વાસ્તવિક પડકારો લૉકડાઉનના અમલ દરમિયાન શરૂ થયા હતા જેમાં આ નિદેશાલયના કેડેટ્સ નાગરિક વ્યવસ્થાતંત્રમાં સહકાર માટે નિયુક્ત થનારા સૌપ્રથમ કેડેટ્સ હતા. યોગદાન કવાટતના ભાગરૂપે, કેડેટ્સને 08 એપ્રિલ 2020થી 19 મે 2020 દરમિયાન 43 દિવસ સુધી સળંગ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, સરેરાશ 500-550 કેડેટ્સ, 60 એસોસિએટ NCC ઓફિસર્સ અને 80 કાયમી ઇન્સ્ટ્રક્ટર્સને દૈનિક ધોરણે 18 જિલ્લાઓના 31 નગરો અને શહેરોમાં ધોમધખતા તાપમાં પણ ફરજ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ દરિમયાન કુલ મળીને 1350 વ્યક્તિઓની નિયુક્તિ કરવામાં આવી હતી. કોવિડ-19 મહામારીના કારણે, ગુજરાતની વિવિધ બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત વર્તાઇ રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ગુજરાત NCC નિદેશાલયે તેમના પ્રેરિત યુવાદળના સ્વયંસેવીઓ કેડેટ્સ તેમજ નિયુક્ત સ્ટાફ (સંરક્ષણ કર્મચારીઓને નાગરિકો બંને) સાથે મળીને આખા જુલાઇ મહિના દરમિયાન રાજ્યમાં વિવિધ શહેરોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરોનું આયોજન કર્યું હતું. યોગદાન કવાયત દરમિયાન નિદેશાલયના પ્રયાસોની સંરક્ષણ મંત્રી, ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી સહિત તમામ સ્તરે અત્યંત પ્રશંસા થઇ હતી.

આખા વર્ષ દરમિયાન વધુને વધુ આત્મવિશ્વાસ અને મજબૂતી સાથે આગળ વધીને નિદેશાલય રાજકોટ અને નાવલી ખાતે આવતા NCC એકેડેમીના કેસોની પ્રગતિ કરવા માટે સમર્થ બન્યું હતું. 02 એર અને 06 નેવલ સિમ્યુલેટર્સ દ્વારા તાલીમમાં આધુનિકિકીરણનો અમલ કરી શકાયો છે જેને વિવિધ સ્થળોએ ફ્લાઇંગ અને નેવલ તાલીમ માટે તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં, અદ્યતન સ્પોર્ટ્સ શૂટિંગ રાઇફલ્સ પણ ખરીદવામાં આવી છે. આ અદ્યતન તાલીમ સહાયકો અને ઉપકરણોનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવામાં આવી રહ્યો છે અને તાલીમ માટે તે ખૂબ જ સારા સક્ષમકર્તાઓ તરીકે કામ કરશે.

કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી અનન્ય પરિસ્થિતિ તેમજ તાલિમના આયોજનના સંદર્ભમાં તેની સાથે સંકળાયેલા અન્ય પડકારોના કારણે અવરોધો વચ્ચે પણ, આપણા કેડેટ્સ અને સ્ટાફે તેનો સામનો કર્યો અને તાલીમ માટે ‘ગોઇંગ ઓનલાઇન’ના ‘નવા નોર્મલ’ને ઝડપથી અપનાવીને પોતાની રીતે ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું છે. EBSBથી શરૂઆત કરીને, વેબિનાર અને ઑનલાઇન વર્ગો તેમજ નોંધણીની પ્રક્રિયાઓ પણ ઑનલાઇન કરવામાં આવી હતી.

વધુમાં, કેડેટ્સે તેમના વિસ્તારોમાં વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને અન્ય લોકોને પણ શારીરિક ફિટનેસ માટે પ્રેરિત કર્યા હતા અને પોતાના પરિવારો સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા “યોગ કરીશું, કોરોના ભગાવીશુ” અભિયાનની ચારેતરફથી ખૂબ જ પ્રસંશા થઇ હતી.

15 ઑગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં NCCના વિસ્તરણના ભાગરૂપે, ગુજરાત નિદેશાલય દ્વારા સરહદી વિસ્તારોમાં 3600 કેડેટ્સને NCC ઉપલબ્ધ કરાવવા માટે 20 સંસ્થાઓ પસંદ કરીને આ દિશામાં નોંધનીય પ્રગતિ કરવામાં આવી હતી. આ સંસ્થાઓમાં નોંધણી શરૂ થઇ ગઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વિસ્તરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

NCC દિવસ નિમિત્તે, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા નિદેશક મેજર જનરલ રોય જોસેફે તમામ અધિકારીઓ, કર્મચારીઓ, કેડેટ્સ, ANO અને નાગરિકો દ્વારા ઉત્કૃષ્ટ પ્રયાસોની પ્રસંશા કરી હતી અને વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની સહભાગીતાને બિરદાવી હતી. તેમણે માતાપિતા અને વિવિધ સંસ્થાઓની પણ પ્રસંશા કરી હતી જેમણે NCCની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે NCCના કેડેટ્સને સહકાર પૂરો પાડ્યો હતો. ADGએ પણ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સતત સહકાર અને મદદ આપવા બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

તેમણે તમામ લોકોને પોતાના આરોગ્યની તેમજ પરિવારના સભ્યોના આરોગ્યની કાળજી લેવાની સલાહ આપી હતી અને લોકોને આ પડકારજનક તબક્કામાંથી હાનિ વગર કેવી રીતે બહાર આવવું તે અંગે માહિતગાર કરવા માટે, તેમને નાગરિક ફરજો વિશે સમજાવવા માટે અને જાગૃતિના અસરકારક સંદેશાવાહકો બનવા માટે અનુરોધ કર્યો હતો. ADGએ એમ પણ જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, આવનાર વર્ષમાં હજુ પણ બહેતર પરફોર્મન્સ અને વધુ સારા સીમાચિહ્નો પ્રાપ્ત થશે અને કોવિડ-19ના લૉકડાઉનના કારણે ઉભા થયેલા અવરોધો NCCના કેડેટ્સની તાલીમને અસર નહીં કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.