Western Times News

Gujarati News

વરરાજા ચાલુ વિધિએ જ કોરોના પોઝિટિવ નીકળ્યો

Files Poto

પિથૌરાગઢ: ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક નવવિવાહિત કપલને લગ્નના તુરંત બાદ જ ક્વોરન્ટીન કરવામાં આવ્યું. હકીકતમાં લગ્ન પહેલા વરરાજાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. લગ્નની વિધિ ચાલી રહી હતી, આ દરમિયાન આવેલા તેના રિપોર્ટમાં તે કોવિડ-૧૯ સંક્રમિત હોવાનું માલુમ પડ્યું તો પરિવારજનો પણ દંગ રહી ગયા. નવવિવાહિત કપલને લગ્નની વિધિ ખતમ થયા બાદ તુરંત જ ઘરમાં જ આઈસોલેટ કરી દેવામાં આવ્યા. વરરાજાના કોરોના ટેસ્ટનો રિપોર્ટ લગ્નની વિધિઓ ચાલુ હતી તેની અધવચ્ચે જ માલુમ થયો.

લગ્ન માટે દિલ્હીથી પિથૌરાગઢ જતા સમયે રસ્તામાં વરરાજાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વરરાજાના કોરોના ટેસ્ટની રિપોર્ટ લઈને લગ્ન સ્થળે પહોંચેલા પિથૌરાગઢના મામલતદાર પંકજ ચંદોલાએ જણાવ્યું કે, આ ઘટના બુધવાર રાત્રે સામે આવી. મામલતદારે જણાવ્યું કે, લગ્નની તમામ વિધિઓ કોવિડ-૧૯ના પ્રોટોકોલનું પાલન કરતા પૂરી કરવામાં આવી અને સમારોહ ખતમ થયા બાદ દંપતીને આઈસોલેટ કરી દેવામાં આવ્યું. લગ્નમાં સામેલ થયેલા તમામ લોકોના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે મોકલાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં લગ્ન દરમિયાન એક જ જગ્યાએ વધુ લોકો એકઠા થવાથી તેનું સંક્રમણ વધવાની શક્યતાઓ વધુ રહેલી છે. એવામાં ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં માત્ર અમુક સંખ્યામાં જ લોકોને લગ્નમાં બોલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

જોકે તેમ છતાં લોકો ગાઈડલાઈન્સનું પાલન નથી કરી રહ્યા અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ગઈકાલે જ વલસાડમાં ૧૦૦ લોકોની મંજૂરી સામે ૪૦૦ લોકોની જાન પહોંચી હોવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ તેમને દંડ કરવામાં આવ્યો હતો, આવી જ રીતે સુરતમાં પણ એક લગ્ન સમારોહ દરમિયાન મહેમાનો માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ વિના ફરતા દેખાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.