Western Times News

Gujarati News

કલ્યાણકારી યોજનાના અસરકારક અમલીકરણથી વનવાસીઓના ઘરે છવાયો ઉજ્જવળ ભવિષ્યનો ઉજાસ

(ખાસલેખ – દર્શન ત્રિવેદી) આપણે સૌ જાણીએ છીએ કે ૯ મી ઑગષ્ટના આ દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ‘‘ તરીકે આખું વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. આ દિનની ઉજવણી વિશ્વભરમાં વસવાટ કરતાં મૂળ નિવાસી સમુદાયને એટલે કે આદિવાસી સમાજને હક્ક, અધિકારો મળે અને તેઓ અન્ય સમાજની હરોળમાં આવી શકે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ આ દિવસની ઉજવણી કરવાનું ઠરાવેલું છે. આજના દિવસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને સમગ્ર આદિવાસી સમાજ વતી લાખ લાખ અભિનંદન આપવા પડે કે તેઓએ આ દિવસને સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સરકારી રીતે આયોજિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

સમગ્ર ભારત દેશમાં આદિવાસી સમાજની મુખ્ય જનસંખ્યા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ વગેરે પૂર્વાત્તરના રાજયોમાં જોવા મળે છે. ગુજરાત રાજયમાં આદિવાસી સમાજની જનસંખ્યાની વાત કરીએ તો અંબાજી થી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૪ હજાર કરતાં વધારે ગામડાઓ, અને ૯૦ લાખ જેટલો આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે.

ભારતના બંધારણની કલમ ૩૪૨ હેઠળ અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર થયેલી આ પ્રજા અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે. ભારતની  ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૧ અબજ ૨૧ કરોડની વસ્તીમાં  ૧૦,૪૫,૪૫,૧૧૭ એટલે કે કુલ વસ્તીના ૧૪.૭૫ ટકા વસ્તી  અનુસુચિત જનજાતિની  છે, આદિવાસી  સમાજની વસ્તી ઉમરગામથી લઇ અંબાજી સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરે છે. દાહોદ જિલ્લાની જ વાત કરીને તો અહીં ૭૪ ટકા જેટલી વસ્તી આદિવાસી છે.

આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જ ઉજળો અને ભવ્ય છે. આઝાદીની લડાઇમાં સૌથી વધારે કોઇએ બલીદાન આપ્યું હોય તો તે આદિવાસી સમાજે આપ્યું છે. ભારતમાં આઝાદીની લડાઇમાં શ્રી બિરસામુંડાનું યોગદાન ભુલી ના શકાય તેવું છે. ગુજરાતમાં પણ ગોવિંદગુરુની આગેવાની હેઠળ ૧૫૦૦ જેટલા આદિવાસીઓ મહિસાગર જિલ્લાના માનગઢ ખાતે અને ૧૨૦૦ જેટલા આદિવાસીઓ સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં આવેલ પાલ-દઢવાવ ખાતે શહિદ થયા. તેની સ્મૃતિમા તાજેતરમાં વિરાંજલી વન બનાવાયું તથા માનગઢ ખાતે ગોવિંદગુરુ શહિદ વન બનાવવામાં આવ્યું. વેગડા ભીલે સોમનાથ ના મંદિરની રક્ષા માટે શહાદત વ્હોરી તેમજ ડાંગના રાજાઓએ અંગ્રેજોને પ્રવેશવા દીધા ન હતા.

વર્ષ ૨૦૦૪માં વાજપાઇ સરકાર વખતે પહેલી વખત આદિવાસીઓના હિતોની ચિંતા કરી અલગ આદિવાસી મંત્રાલય બનાવવામાં આવ્યું. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭ માં નિયમ-૪૪ હેઠળ વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. પ્રથમ ૫ વર્ષમાં રૂ ૧૫ હજાર કરોડની જોગવાઇ સામે રૂ. ૧૭ હજાર કરોડ વાપર્યા. બીજા તબક્કાના પાંચ વર્ષ માટે ૪૦ હજાર કરોડની જોગવાઇ સામે રૂ.૪૨ હજાર કરોડ રૂપિયા ફાળવેલ છે. અત્યાર સુધીમાં સરકારે છેલ્લા ૨૨ વર્ષમાં રૂ.૮૦ હજાર કરોડ આદિવાસીઓ માટે ફાળવેલ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૧૪ હજાર કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે.

રાજય સરકારે પેસા એક્ટના અસરકારક અમલીકરણ માટે PESA નિયમો ૨૦૧૭ અમલમાં મુકી, આદિજાતિ સમાજને સવિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં ગૌણ વન પેદાશની સંપૂર્ણ, માલિકી, સંગ્રહ, વેચાણ વગેરેમાં ગ્રામસભાને સત્તા અને ગૌણ ખનીજની લીઝ, જમીન સંપાદન જેવી બાબતોમાં ગ્રામસભાનો પરામર્શ ફરજીયાત બનાવવામાં આવ્યો. પેસા કાયદાના કારણે રાજયના ૧૪ જિલ્લા અને ૫૩ તાલુકાના ૪ હજાર કરતા વધારે ગામોના ૯૦ લાખ આદિવાસીઓને સવિશેષ અધિકારો મળ્યા છે.

વન અધિકારના કાયદાના અમલ પછી આ સરકાર દ્વારા વ્યક્તિગત, સામુદાયીક અને માળખાકીય સુવિધા માટેના તમામ દાવાઓ થઇ ને કુલ ૯૪,૧૦૪ દાવાઓ મંજુર કર્યા તથા ૧૩ લાખ એકર જેટલી કુલ જમીન ફાળવવામાં આવી. નમુના ૭/૧૨ અને હક્કપત્રક-૬ માં નોંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૬૯,૩૪૭ લાભાર્થીઓના રેકર્ડમાં આ અંગેની નોંધ પણ પડી ગઇ છે. આદિવાસી વિસ્તારોમાં વર્ષ ૨૦૦૧ માં કુલ ૪૮ હજાર જેટલા જ કુટુંબો ને નળથી  પાણી આપવામાં આવતુ હતું. હાલ માં આ સંખ્યા માં વધારો થઇ કુલ ૧૧ લાખ ૩૦ હજાર જેટલા પરિવારોને નળથી પાણી મળે છે. ટકાવારીની દ્રષ્ટી એ જોઇએ તો ૨૦૦૧ માં ૩.૯ ટકા લોકોને જ નળથી પીવાનું પાણી મળતુ હતું. હાલ માં વધીને તે ૬૪.૪૬ ટકા જેટલું થવા પામ્યું છે.

શૈક્ષણિક સુવિધાઓમાં ૩૧ એકલવ્ય શાળાઓ, ૪૩ કન્યા સાક્ષરતા શાળાઓ, ૧૩ મોડેલ શાળાઓ મળીને કુલ ૮૬ એકલવ્ય રેસીડેન્શીયલ શાળાઓમાં પુરા પગાર ધોરણમાં ૭૬૧ શિક્ષકોની કાયમી નિમણુંક કરવાનો નિર્ણય, જેનો અંદાજે ૨૭,૦૦૦ વિદ્યાર્થીઓને લાભ થશે. ટેલેન્ટ પુલ યોજના હેઠળ તેજસ્વી આદિજાતિના બાળકોને ૨૨ જેટલી શ્રેષ્ઠ  સ્કુલોમાં પ્રવેશ આપી વિદ્યાર્થી દીઠ રૂ।. ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધીની ફી ની ચુકવણી રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે.  અત્યાર સુધી ૩૫૦૦ થી વધુ બાળકોને આ લાભ મળ્યો છે. આદિવાસી વિસ્તારોમાં સઘન વીજળીકરણ, આરોગ્યલક્ષી સુવિધાઓ, પૂરક પોષણ ક્ષેત્રની વિવિધ યોજનાના અસરકારક અમલીકરણને પગલે હરએક આદિવાસીઓના ઘરોમાં ઉજજ્જવળ ભવિષ્યનું અજવાળું છવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.