Western Times News

Gujarati News

શહેરમાં દૈનિક ર૩ હજાર લોકોને વેકસિન અપાશે: ચાર લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા

Files Photo

પ૦ કે તેથી વધુ વયના ૩ લાખ ૮પ હજાર લોકો વેકસિન લેવા તૈયાર : ગંભીર રોગના ૧પ હજાર દર્દીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યા 

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તેમજ વેક્સીન તૈયાર થઈ હોવાના કારણે તંત્રએ રાહતનો દમ લીધો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વેક્સીનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ૧૦ ડીસેમ્બરથી ડોર ટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશનના સરવેમાં ૫૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ અને કો.મોર્બીડ દર્દીઓની વિગત એકત્રિત કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં ભાગ લેનાર કર્મચારીઓને પણ પ્રથમ તબક્કામાં આવરી લેવાશે. મ્યુનિ. કોર્પોરેશન ડોર ટુ ડોર સર્વેમાં માત્ર ૧૦ દિવસમાં જ અંદાજે ચાર લાખ લોકોએ વેકસિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં પ૦ વર્ષથી ઉપરના ૩ લાખ ૮પ હજાર જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ૪૬ વોર્ડ મુજબ વેક્સીન સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશનના વોર્ડ દીઠ તૈયાર કરવામાં આવેલી મતદારયાદી અને મતદાન મથકને ડેટાબેઝ બનાવીને ડોરટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. જેના માટે આંગણવાડી આશાવર્કરો, મ્યુનિ.શાળાના શિક્ષકો પેરામેડીકલ સ્ટાફ વગેરેને સરવે કામગીરીમાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુનિ.કોર્પાેરેશનની ટીમ દ્વારા જે તે વ્યક્તિના આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડના આધારે ફોર્મ ભરવામાં આવી રહયા છે. સરવેના પ્રથમ તબક્કામાં ૫૦ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિએ તેમજ ગંભીર રોગના દર્દીઓને આવરી લેવામાં આવી રહયા છે સાથે સાથે પ૦ વર્ષથી નાના પણ ગંભીર બીમારી ધરાવતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિ.આરોગ્યખાતાના સુત્રોએ જણાવ્યું હતું કે સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ ઓનલાઈન ડેટા તૈયાર કરવામાં આવશે. વેક્સીનના પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર બીજા તબક્કામાં કોરોના ફ્રન્ટલાઈન વર્કર, મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સફાઈકર્મીઓને આવરી લેવામાં આવશે. જયારે ત્રીજા તબક્કામાં પ૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે તેમને વેકસિન આપવામાં આવશે. શહેરની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતાં પ૧ હજાર હેલ્થ વર્કસ તથા ૫૦ હજાર ફ્રન્ટલાઈન વર્કરની નોંધણી કરવામાં આવી છે.

તેમજ તેમને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦ ડીસેમ્બરથી શરૂ કરવામાં આવેલ સર્વેમાં પ૦ વર્ષ કે તેથી વયના ૩ લાખ ૮પ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જયારે પ૦ વર્ષથી નાના પરંતુ ગંભીર બીમારી ધરાવતા લગભગ ૧પ હજાર લોકોની નોંધણી થઈ છે. વેકસિન સર્વે માટે બે હજાર ટીમો બનાવવામાં આવી છે જેમાં મ્યુનિ. શાળાના ૬૦૦ શિક્ષકો,૭૦૦ હેલ્થ વર્કર અને ૬૦૦ આશા વર્કર મળી કુલ ર હજાર લોકો કામ કરી રહયા છે. આ તમામની સાથે એક-એક આશા વર્કર અલગથી કામગીરી કરશે. રાજય સરકારની સુચના બાદ શહેરમાં વેકસિનની કામગીરી શરૂ થશે જેમાં એક અર્બન હેલ્થ સેન્ટર દીઠ ત્રણ શાળાઓ લેવામાં આવશે. દરેક શાળા દીઠ રોજ ૧૦૦ વ્યક્તિને વેકસિન આપવામાં આવશે આમ, શહેરમાં દૈનિક ર૩૦૦૦ નાગરિકોને વેકસિન આપવામાં આવે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત ૭૬ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સીન સ્ટોરેજ માટે ૧૦૦ જેટલા આઈસ લાઈન્ડ ફ્રીજ મૂકવામાં આવશે. જેમાં માઈનસ ૨૦ ડીગ્રી તાપમાન જાળવી શકાય તેવી સુવિધા રહેશે. વેક્સીન સ્ટોરેજ માટે વધુ ફ્રીજની જરૂરીયાત ઉભી થશે તો સરકાર પાસેથી ૨૦ જેટલા ફ્રીજ મંગાવવામાં આવશે. તદુપરાંત ખાનગી એજન્સીઓની પણ વેક્સીન સ્ટોરેજ માટે મદદ લેવામાં આવી શકે છે. શહેરના કુલ સાત સ્થળે વેક્સીન સ્ટોરેજ કરવામાં આવશે. મ્યુનિ.આરોગ્ય ભવન ખાતે પણ પાંચ આઈએલઆર મૂકવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વેક્સીન માટે તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફેબ્રુઆરી માસના અંતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી ચૂંટણી પ્રક્રિયા સાથે જાેડાયેલા તમામ કર્મચારીઓને જાન્યુઆરી મહિનામાં જ રસી આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર ૨૦ હજાર જેટલા કર્મચારીઓને રસી આપવા માટે સરકારે સહમતી દર્શાવી છે. જેમાં પોલિંગ સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીઓ, બીએસઓ, રીટનીંગ ઓફીસર, ઈલેક્શન ઓફીસર, પોલીસ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.