Western Times News

Gujarati News

મિત્રના બર્થ ડે પર ડિનરમાં સામેલ થઈ હતી : સુઝૈન

મુંબઈ: રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન સામે મુંબઈના એક પોશ ક્લબમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડવાનો ગુનો દાખલ થયા હોવાના અહેવાલો હતા. જે બાદ સુઝૈન ખાને સ્પષ્ટતા કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ક્લબમાં ક્રિકેટર સુરૈશ રૈના અને સિંગર ગુરુ રંધાવા પણ પાર્ટી કરી રહ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

હવે, આ સમગ્ર મામલે સુઝૈન ખાને પોતાનો પક્ષ મૂક્યો છે. સુઝૈને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે. ‘મારી વિનમ્ર સ્પષ્ટતા’ આ કેપ્શન સાથે લખાયેલી પોસ્ટમાં સુઝૈને ઉલ્લેખ કર્યો છે

તેની ધરપકડ નહોતી થઈ. ઉપરાંત તેણે મુંબઈ પોલીસના વખાણ કર્યા છે. સુઝૈને લખ્યું, “ગત રાત્રે હું એક અંગત મિત્રના બર્થ ડે પર આયોજિત ડિનરમાં સામેલ થઈ હતી અને પછી અમે થોડાંક લોકો જે.ડબલ્યુ. મેરિયટ સ્થિત ડ્રેગન ફ્લાય ક્લબમાં પહોંચ્યા હતા. રાત્રે અઢી વાગ્યે સત્તાધીશો ક્લબમાં આવ્યા હતા. ક્લબ મેનેજમેન્ટ અને સત્તાધીશો વચ્ચે વાટાઘાટ ચાલી રહી હતી ત્યારે ત્યાં હાજર મહેમાનોને ત્રણ કલાક સુધી રોકાવાનું કહેવાયું હતું. અંતે સવારે ૬ વાગ્યે અમને જવા દેવાયા હતા. માટે જ મીડિયામાં અટકળો ચાલવા લાગી કે ક્લબમાં ધરપકડ થઈ છે.

આ અહેવાલો ખોટા અને બેજવાબદારીપૂર્ણ છે. સુઝૈને આગળ લખ્યું, હું સમજી નથી શકતી કે અમને શા માટે રોકી રાખવામાં આવ્યા હતા અથવા સત્તાધીશો અને ક્લબ વચ્ચે શું સમસ્યા હતી. હું આ નિવેદન દ્વારા મારી વાત સ્પષ્ટ કરવા માગુ છું. મુંબઈકરોને સુરક્ષિત રાખવા માટે મુંબઈ પોલીસ જે નિઃસ્વાર્થ પ્રયાસો કરે છે તેના પ્રત્યે માન છે. લોકકલ્યાણ માટે તેમણે સતત ભરેલા સાવચેતીના પગલાં વિના આપણે સુરક્ષિ ના હોત. બેસ્ટ રિગાર્ડ્‌સ સુઝૈન. ધરપકડના અહેવાલો બાદ સુરેશ રૈના તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, સુરેશ એક શૂટ માટે મુંબઈમાં હતો,

જે મોડી રાત સુધી ચાલ્યું હતું. બાદમાં તેને એક મિત્રએ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. તે દિલ્હી પરત જવા ફ્લાઈટ પકડે તે પહેલા જ તેને આમંત્રણ અપાયું હતું. જેથી તેને સ્થાનિક સમય અને પ્રોટોકોલ વિશે જાણ નહોતી. આ ઉપરાંત સિંગર ગુરુ રંધાવા તરફથી પણ નિવેદન જાહેર કરીને કહેવાયું હતું કે, ગુરુ રંધાવા સવારે દિલ્હી જવા રવાના થતાં પહેલા ગત રાત્રે મુંબઈમાં પોતાના કેટલાક મિત્રો સાથે ડિનર પર ગયો હતો. રાત્રે અચાનક થયેલી ભૂલ માટે તે ક્ષમા માગે છે.

કમનસીબે તેને સ્થાનિક પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્‌યૂના નિયમનો અંદાજાે નહોતો. પરંતુ તે સરકારે લાગુ કરેલા તમામ નિયમોનું સન્માન કરે છે. સાથે જ વચન આપે છે કે, ભવિષ્યમાં સરકારના નિયમો અને કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરશે. તે આ દેશનો નાગરિક છે અને ભવિષ્યમાં આ જ દાયરામાં રહેવા માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.