Western Times News

Gujarati News

ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી મળશે ‘શાહ’ને

કોલકાતા, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય એવી શક્યતા ઊજળી બની હતી. ગઇ કાલે રાજ્યના ગવર્નર જગદીપ ઘનખડ સાથે મુલાકાત કર્યા બાદ આજે સૌરવ પાટનગર નવી દિલ્હી આવીને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે બેઠક યોજવાનો હોવાની માહિતી મળી હતી.

2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થવાની છે. સૌરવ ગાંગુલીનું રાજ્યમાં ભારે વર્ચસ્વ છે અને એની હાજરીથી ભાજપને લાભ થવાની શક્યતા હોવાનું અનુમાન છે. છેલ્લા થોડા સમયથી ભાજપ સૌરવ ગાંગુલીને પોતાની સાથે જોડવા સતત પ્રયાસો કરી રહ્યો હતો. આરંભે સૌરવે નમ્રતાથી ના પાડી હતી અને કહ્યું હતું કે હું ક્રિકેટની રમતમાં ખુશ છું. મને રાજકારણમાં બહુ રસ નથી. પરંતુ પાછળથી ભાજપના નેતાઓ સ્થાનિક નેતાઓની મદદથી સૌરવને સમજાવી લેવામાં સફળ થયા હતા.

પશ્ચિમ બંગાળના ગવર્નર ધનખડ સાથેની સૌરવની મુલાકાતને ગવર્નર હાઉસે ઔપચારિક મીટીંગ ગણાવી હતી. પરંતુ આજે સોમવારે સૌરવ દિલ્હી આવીને અમિત શાહની સાથે બેઠક યોજે એ સૂચક ઘટના છે. મિડિયા સાથેની વાતચીત દરમિયાન પત્રકારોએ સૌરવને ગવર્નર સાથેની મુલાકાત વિશે પૂછ્યું ત્યારે સૌરવે વળતો સવાલ કર્યો હતો કે શું હું કોઇને મળી ન શકું.

આજે દિલ્હીમાં ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં સદ્ગત ભાજપી નેતા અને કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. આ પ્રસંગે અમિત શાહ હાજર રહેવાના છે. યોગાનુયોગે સૌરવ ગાંગુલી પણ  આ સમારોહમાં હાજરી આપવાનો છે.

ગવર્નર હાઉસની બહાર નીકળ્યા પછી સૌરવે પત્રકારો સાથે વાત કરતાં ફક્ત એટલું કહ્યું હતું કે આ તો એક વિવેકસભર મુલાકાત (કર્ટસી કોલ) હતી. જો કે ગવર્નર ધનખડે પત્રકારોને કહ્યું હતું કે અમે ઘણા મુદ્દાની ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.