ભાજપમાં મહત્ત્વના હોદ્દા ખાલી હોવાથી દાહોદ નગરપાલિકા ચૂંટણી જંગ રામભરોસે
(પ્રતિનિધિ) દાહોદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ રહ્યા છે ત્યારે દાહોદ નગરપાલિકાની ચૂંટણીનું પ્રચાર કાર્ય જાેરશોરથી ચાલી રહ્યું છે. તમામ ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે લઈ પોતાના વોર્ડમાં ઘરે ઘરે ફરી પોતાને મત આપવા અપીલ કરી રહ્યા છે.
દાહોદ નગરપાલિકામાં શહેર સંગઠન મહત્વ હોદ્દેદારો અથવા તેમના સંબંધીઓ ચૂંટણી લડી રહ્યા છે. તેમ છતાં ભાજપમાં કોઈ નવી નિમણૂક કરવામાં આવી નથી. જેથી ચૂંટણી પ્રચાર માત્ર ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં પ્રમુખો ચૂંટણી લડતાં હોવાથી કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે જેથી શહેર ભાજપાના કાર્યક્રમમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ નગરપાલિકામાં આ વખતે ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને અપક્ષો મેદાનમાં છે. કેટલાક વોર્ડમાં ભાજપના બળવાખોરોએ પક્ષની ચિંતા વધારી દીધી છે. તો ઘણી જગ્યાએ ટિકિટ ન મળતાં કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.
જેથી ભાજપના સંગઠનના મહત્વના હોદ્દેદારો અથવા તેમના સંબંધીઓ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપા પ્રમુખ, એક મહામંત્રી ના ધર્મ પત્ની ચૂંટણી લડતા હોય બંનેએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપ્યા છે. તેવી જ રીતે એક મહામંત્રી પોતે ચૂંટણી જંગમાં હોવાથી તેમને પણ પદ છોડી દીધું દેવું પડ્યું છે.
એક શહેર પ્રમુખએ પણ તેમના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હોવાથી તેઓએ પણ રાજીનામું આપી દીધું છે. બીજી તો ઠીક શહેર સંગઠન પ્રભારી પણ પાલિકાની ખુરશી ની દોડમાં હોવાથી તે જગ્યા પણ ખાલી છે અને કોઈ વચગાળાની નિમણૂક કરવામાં આવી નથી. જેથી સંગઠનના બંને જ આગળ આવેલ ભારતીય જનતા પાર્ટીમાં દાહોદ શહેરનું સંગઠન માળખું પૂર્ણ ન હોવાથી ચૂંટણી પ્રચાર કાર્ય પોતપોતાની રીતે ચાલી રહ્યું હોવાનો કાર્યકરોનો મત છે.
દાહોદ શહેર ભાજપાના કેટલાક જૂથમાં એવો પણ ગણગણાટ થઇ રહ્યો છે કે પહેલા હોદ્દાઓની લ્હાણી કરી અને તેમણે પોતાની ટિકિટો પાકી કરવા ગમે તેમ કરીને હોદ્દો મેળવી પણ લીધા પછી ચોક્કસ ગણતરીબાજ નેતાઓના આશીર્વાદથી તેમનેજ ટીકીટોની લ્હાણી પણ કરી દીધી અને હવે રાજીનામાં લીધા. તો શું સંગઠનને મજબૂત કરવા તેમજ ચૂંટણી જંગજીતવા આ મુઠ્ઠીભર નેતાઓ જ સક્ષમ છે. ત્યારે બીજા કાર્યકરો કશું જ કરી શકવાને શક્તિમાન નથી ! તેવો પ્રશ્ન પણ સંજાેગો પ્રમાણે ચર્ચાઈ રહ્યા છે.*