રિક્ષામાં બેસેલ ત્રણેય ઈસમોએ મૂઢ મારી ૨૦ હજાર રૂપિયા લઈને ભાગી ગયા
અમદાવાદ: મેટ્રોસિટી અમદાવાદમાં રાત્રે ૧૨થી લઈને સવારના ૬ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ છે. ત્યારે લોકો પોતાના ઘરના કાર્યોને પૂર્ણ કરવા માટે રાત્રે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ, ઇમર્જન્સીમાં ઘરેથી બહાર નીકળતા લોકોની સાથે શહેરમાં કેવી રીતના બનાવો બની રહ્યા છે તેને ઉજાગર કરતી એક ઘટના અમદાવાદમાં ગઈ કાલે પથ્થરકૂવા પાસે બની હતી.
ઉત્તર પ્રદેશના વતની અને અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરીને પોતાનો ગુજરાન ચલાવતા રઘુવીરસિંહ ચંદેલને ગઈ કાલે કોટ વિસ્તારમાં તેમને કોઈ અંગત કામ પડતા તેઓ બોપલથી રીક્ષામાં બેસીને વિરાટ નગર જવા માટે નીકળ્યા હતા. રિક્ષામાં રઘુવીર સિંહની સાથે અન્ય ત્રણ ઈસમો પણ બેઠા હતા.
રીક્ષા બોપલથી નીકળ્યા બાદ શહેરના પથ્થરકૂવા પાસે પહોંચી હતી ત્યારે રીક્ષા ડ્રાયવરે રિક્ષાને સાઈડમાં ઉભી રાખી દઈને રઘુવીર ભાઈને નીચે ઉતરવા કહ્યું હતું. રઘુવીર ભાઈ નીચે ઉતરતા રિક્ષામાં બેસેલ ત્રણેય ઈસમોએ રઘુવીર ભાઈને મૂઢ માર મારવાનું શરુ કરી દીધું હતું અને માર માર્યા બાદ તેમના ખિસ્સામાં રહેલ ૨૦ હજાર રૂપિયા લઈને રીક્ષા લઈને ત્રણેય ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા.
આ મામલે રઘુવીર ભાઈએ ત્રણ અજાણ્યા ઈસમો સામે કારંજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.