Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં ત્રણ વર્ષમાં ટીબીના ૧૭૬૭૪ દર્દીઓ સાજા થયા

ટીબીના એક દર્દીને સાજા કરવા માટે સરકાર દ્વારા રૂ. ૨૫ લાખનો ખર્ચ

દાહોદને ફાળવાયેલી મોબાઇલ ટીબી વાન દ્વારા ૭૮૧૭ એક્સ રે કાઢવામાં આવ્યા, ૬૫૮ દર્દીઓ મળી આવ્યા

દાહોદ જિલ્લામાંથી ટીબીને તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૨થી ચાર દિવસ સર્વેક્ષણ હાથ ધરાશે

રાજરોગ ગણાતા ટ્યુબરક્યોલીસીસને સમગ્ર દાહોદ જિલ્લામાંથી તડીપાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૨થી ચાર દિવસ સુધી સતત સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. આ સર્વે દરમિયાન કોઇ દર્દીને ક્ષયના દર્દીઓને સારવાર હેઠળ લાવવામાં આવશે.

ક્ષય રોગ જીવલેણ છે. એક આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં પ્રતિ પાંચ મિનિટે બે વ્યક્તિ ટીબીને કારણે મૃત્યુ પામે છે. ટીબીના દર્દીઓને સમયસર સારવાર ના મળે તો તે મૃત્યુ તો પામે છે પણ સાથે અન્ય લોકોને પણ ચેપ લગાડે છે. સારવાર મળવાથી અન્ય લોકોને ચેપલાગવાનું જોખમ ઘટી જાય છે.

સર્વેક્ષણ અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં ઉક્ત તારીખોના ચાર દિવસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ તમામ ઘરોમાં જઇને નાગરિકોના આરોગ્યની તપાસણી કરશે અને રોગના લક્ષણોની તપાસ કરશે. ટીબી રોગના સામાન્ય લક્ષણો બે અઠવાડિયા કરતા વધુ સમયથી ખાંસી, સાંજના સમયે જીણો તાવ આવવો, રાત્રે પરસેવો થવો, ભૂખ ના લાગવી, વજનમાં ઘટાડો થવો જેવા છે. ખાંસી વખતે ગડફામાં લોહી પણ દેખાઇ છે.

સર્વેક્ષણ દરમિયાન કોઇ દર્દીને ટીબીના લક્ષણો જણાઇ તો તેમને નજીકના સરકારી દવાખાને નિદાન કરી બાદમાં ઘર બેઠા જ સંપૂર્ણ સારવાર આપવામાં આવશે. સરકાર દ્વારા આવા દર્દીઓને રૂ. ૫૦૦ પ્રતિ માસ લેખે સહાય પણ આપે છે.

દાહોદ જિલ્લામાં ૨૦૧૯માં ૩૭,૩૮૧ દર્દીઓના ગડફાની તપાસ કરાઇ હતી. તેમાંથી ૯૧૦૨ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ૭૪૩૫ દર્દીઓ સાજા થઇ ગયા હતા. આ જ પ્રકારે ૪૩,૩૭૪ દર્દીઓની એક્સ રે, ગડફાની લેબોરેટરી ચકાસણીના માધ્યમથી તપાસ કરવામાં આવી હતી અને ૭૭૯૨ દર્દીઓને ટીબી માલૂમ પડતા તેમને સારવાર આપવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન ૮૦૬૮ દર્દીઓ તંદુરસ્ત થઇ ગયા હતા. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ૬૨૯૦ દર્દીઓના એક્સરે-લેબ ચકાસણી કરવામાં આવી છે. તે પૈકી ૧૬૪૬ દર્દીઓને શંકાસ્પદ ટીબી માલૂમ પડતા સારવાર આપવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં ૨૧૭૧ દર્દીઓએ રાજરોગને માત આપી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં દાહોદ જિલ્લામાં મોબાઇલ ટીબી વાન ફાળવવામાં આવી છે. જે ગામેગામે જઇને તપાસનું કાર્ય કરે છે. આ ટીબી વાન દ્વારા ૭૮૧૭ એક્સ રે કાઢવામાં આવ્યા છે. તેમાંથી ૬૫૮ દર્દીઓ મળી આવ્યા છે.

બજારમાં રૂ. પાંચેક હજારની એક ગોળી મળે છે એ બેડાક્યુલાઇન ટેબલેટ ટીબીના દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા સાવ મફતમાં આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં હાલમાં ૭૦ દર્દીઓ આ દવાનો ડોઝ મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના એક દર્દીને સાજો કરવા પાછળ અંદાજે રૂ. ૨૫ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત, દર્દી સારૂ પોષણ મળી રહે તે માટે દર માસે રૂ. ૫૦૦ની સહાય અપાઇ છે. જિલ્લામાં ૬૪૬૪ દર્દીઓને આ વર્ષમાં રૂ. ૧,૬૨,૩૧,૫૦૦ની સહાય કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.