પિયર ગયેલી પત્નીને રસ્તા પર છરાથી હુમલો કરી પતાવી દીધી
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં એક પતિએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી પોતાની પત્નીની કરપીણ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ફણસા ગામમાં છેવાડાના વિસ્તારમાં રહેતા પુનિત મિટનાની એજ ગામની મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. બનાવની વિગત મુજબ ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ફણસા ગામે રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળી પિયર ચાલી ગયા બાદ પરત નહીં થતાં બંને વચ્ચે ચાલતા વિવાદનો ભયાનક અંત આવ્યો હતો.
ઘરથી સંબંધીના ઘરે નીકળેલી પત્નીને રસ્તામાં જાેઇ તેના ઉપર છરાથી ઉપરાછાપરી હુમલો કરી પતિ ફરાર થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ફણસા ગામે મીતનાવાડ ફળિયામાં રહેતા દલપતભાઈ વાસુભાઇ મીતનાએ શુક્રવારે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બે દીકરી અને એક દીકરાના પિતા છે અને છેલ્લાં ૨૫ વર્ષથી દુબઈ ખાતે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
તેમની મોટી દીકરી મમતા ઉં.વ. ૩૦ના લગ્ન ગામમાં જ રહેતા અને રિક્ષાચાલકનું કામ કરતાં પુનિત ગાંડાભાઇ મીતના સાથે ૧૪ વર્ષ પહેલાં થયા હતા. એ દરમિયાન પુનિત અવારનવાર મમતા ઉપર વહેમ રાખી ઝઘડો કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી મમતા છેલ્લા ૬ વર્ષથી બે સંતાનો સાથે પિયરે આવી ગઇ હતી. ત્યાર બાદ મમતા ફરી સાસરે નહીં જતાં પતિ પુનિત સાથે અનેક વખત બોલાચાલી થઈ હતી. ગામમાં જ પિયર અને સાસરું હોવાથી બન્ને અવારનવાર સામસામે આવી જતાં હતાં. ત્યારે પતિ પત્નીને પરત સાસરે આવી જવા માટે કહેતાં તે ચોખ્ખી ના પાડી દેતી હતી