રસ્તા પર VVIP કોન્વોય પસાર થાય ત્યારે ૩ મિનિટથી વધુ સમય વાહનો નહીં રોકવા આદેશ
પોલીસને અગાઉથી ટ્રાફિક મેનેજમેન્ટનું પ્લાનિંગ કરવાનો આદેશ-નવી સરકાર ઉપર જાેખમનું તત્ત્વ નહિવત, સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રોટોકોલ પૂરતી જ
ગાંધીનગર, ગુજરાતમાં અગાઉની સરકારો કરતા નવી સરકારના પદાધિકારીઓ સભ્યો ઉપર જાેખમનું તત્વ નહિવત છે. આથી તેમને મળેલી સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રોટોકોલ પૂરતી મર્યાદીત રહી છે. તેવામાં રાજયના અધિક પોલીસ મહાનિર્દેશક- એડીજી નરસિમ્હા કોમારે ટ્રાફિક મેનેજમેન્ટના આદેશો કર્યા છે.
જેમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કે તેમને સમકક્ષ સુરક્ષા કવચ ધરાવતા વિદેશી મહાનુભાવો સિવાય અન્ય તમામ વીવીઆઈપી, વીઆઈપીના સુરક્ષા અનુસંધાને ત્રણ મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનો અટકાવવા નહી તેમ કહેવાયુ છે.
બેસતા વર્ષના દિવસે થયેલા ઉપરોક્ત આદેશમાં એડીજી નરસિમ્હા કોમારે તમામ શહેરોમાં પોલીસ કમિશનરેટ, પોલીસ અધિક્ષકોને વીવીઆઈપી, વીઆઈપી મૂવમેન્ટ અંગે અગાઉથી જ ટ્રાફિક મેનેજમેન્ટ કરવા કહ્યુ છે, રસ્તાની લંબાઈ, ટ્રાફિકનું ભારણ, વેકલ્પિક રૂટ, ડાયવર્ઝન જેવી બાબતો ધ્યાને લઈને શક્ય ત્યાં સુધી જ માર્ગ ઉપર વાહનોની અવર જવર રોકવામાં આવે છે તેનું ખાસ આયોજન કરવા કહ્યુ છે. સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિ રોકવા અગાઉથી જ ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન જાહેર કરવો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ જે વિસ્તારમાં વીવીઆઈપી, વીઆઈપીના કાર્યક્રમ, રેલી હોય ત્યાં આજુબાજુના વિસ્તારોમાં દુકાનો, વાણિજય એકમોને બંધ કરાવવા, રહેણાંક મકાનોના બારી-બારણાં બંધ કરાવતી રહી છે. આ મુદ્દે પણ રાજયમાં કાયદો અને વ્યવસ્થાના સંભાળતા એડીજી નરસિમ્હા કોમારે આવી કોઈ જ સુચના ન આપવા આદેશ કર્યો છે.
આવી જગ્યાઓ ઉપર તૈનાત પોલીસ અધિકારીઓને સ્થાનિક રહીશો અને અન્ય નાગરિકો સાથે આદર અને સંવેદનશીલતા સાથે વર્તવા તેમણે પત્ર લખ્યો છે. જેમાં વીવીઆઈપી, વીઆઈપી મુવમેન્ટ અને કાર્યક્રમ વખતે જાેખમના તત્વ અને સ્થાનિક સ્થિતિને ધ્યાને રાખીને રસ્તા અને આજુબાજુના વિસ્તારોમાં ગણવેશધારી અને સાદા કપડામાં પોલીસ અધિકારીઓને સ્ટ્રેટેજીક અને હાઈરાઈઝ પોઈન્ટ પર તૈનાત કરવા કહેવાયુ છે.
નવી સરકારમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યોનું જાહેરજીવન પૂર્વ મંત્રીઓ જેટલુ દીર્ધ ન હોવાથી તેમના ઉપર જાેખમની શક્યતાઓ ઓછી છે. આથી અગાઉની સરકારો કરતા મુખ્યમંત્રી સિકયોરીટીમાં ઘટાડો થયો છે. (એન.આર.)