૮૦ કરોડનો દંડ ચૂકવ્યો અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ
શહેરમાં ૪૫૫ ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા ઃ શહેરમાં ૧૬ ટોઈંગ વાન કાર્યરત છે ૧૩૦ ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે
અમદાવાદ, અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમ્યાન ૮૦ કરોડનો દંડ ચૂકવ્યો છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે. જેમાં ટ્રાફિક,પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું.
જેમાં અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ મુદ્દે કોર્ટમાં વિગતો મુકાઈ હતી. જેમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં શહેરની વહેંચણી કરવામાં આવી હતી. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે.
જેમાં ગુજરાત સરકારે આજે જણાવ્યું હતું કે, શહેરમાં ૪૫૫ ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે. શહેરમાં ૧૬ ટોઈંગ વાન કાર્યરત છે. ૧૩૦ ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે. અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ -ચલણની વિગતો પણ કોર્ટમાં મુકાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ સુધીમાં ૨૫૩૬૫૪૫ ઈ ચલણ ઈશ્યુ થયા હતા. તેમજ અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા ૮૦,૧૫,૨૨,૯૬૦ નો દંડ ચૂકવ્યો છે.
જેમાં ગેરકાયદેસર પાર્કિંગના પહેલા ગુના માટે ૫૦૦ રૂપિયા દંડ, બીજા અને તે પછીના તમામ ગુનાઓ માટે ૧,૦૦૦ દંડ વસૂલવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૨ ૨૩ માં ગેરકાયદેસર પાર્કિંગના ૨૧,૬૫૦ કેસ નોંધાયા છે અને રૂપિયા ૧,૦૮,૫૪,૧૦૦ દંડ પેટે વસૂલાયા છે.
જ્યારે ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગના ૭૭૯૩ કેસ નોંધાયા છે. ક્લેમ્પ ચાર્જ રૂપિયા ૩૬૧૩૫૦૦ વસૂલાયો છે. ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા ૧૭૮૦૭૦૦ વસુલાયો છે.
એક જાન્યુઆરી ૨૦૨૨ થી ૨૯ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૨૪૪૮૯ વાહનો નું ટોઈંગ કરાયું, જેમાં રૂપિયા ૧,૪૭,૦૫,૧૦૦ ટોઈંગ ચાર્જ અને ૫૨,૪૪,૫૦૦ પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે. શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ સેલની રચના કરાઈ છે. જે શહેરની ટ્રાફિકની સ્થિતિનું મોનિટરિંગ કરશે. ઈ ચલણ ભરવા માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બની હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી.