Western Times News

Gujarati News

સિવિલમાં શટલ રિક્ષા ચાલકો દર્દીના સગાં પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે

પ્રતિકાત્મક

કેમ્પસમાં આવેલી એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવું હોય તો પેસેન્જરદીઠ રૂ.૧૦થી ૫૦ સુધી ઉઘરાવે છેઃ તંત્રના ભેદી મૌનના કારણે રિક્ષાચાલકો બિનધાસ્ત લૂંટ ચલાવી રહ્યા હોવાનો આરોપ

ઇ-રિક્ષા ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ભંગારની હાલતમાં

અમદાવાદ, સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું બિરૂદ આપવામાં આવ્યું છે. જ્યાં દેશ દુનિયામાંથી લોકો ટ્રીટમેન્ટ કરાવવા માટે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે કેટલીક પાયાની સુવિધાનો અભાવ જાેવા મળી રહ્યો છે. In civil hospital- shuttle rickshaw drivers over charged from patient’s relatives

જેનો ફાયદો રિક્ષા ચાલકો ઉપાડી રહ્યા છે. સિવિલ કેમ્પસમાં અનેક હોસ્પિટલ આવી છે. જેમાં દર્દીનાં સગાંને જવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. જે ગેરકાયદે છે. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવા માટે રિક્ષાચાલકો દર્દી તેમજ તેનાં સગાં પાસેથી ૧૦ રૂપિયાથી લઇને ૫૦ રૂપિયા સુધીનું ભાડું વસૂલે છે. રિક્ષા ચાલકોની આ લૂંટફાટથી હોસ્પિટલના સત્તાધીશો વાકેફ છે. પરંતુ કોઈ કાર્યવાહી કરતા નથી. જેના કારણે દર્દીઓ અને તેમનાં સગાં લુંટાય છે.

સિવિલ હોસ્પિટલ તરફથી બેટરી ઓપરેટેડ ઇ-વિહિકલ (ઇ-રિક્ષા) શરૂ કરાઈ હતી. જે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં દર્દી તેમજ સગાંને લઇ જતી હતી. ત્રણ વર્ષ પહેલાં શરૂ કરાયેલી આ મફતની સેવામાં હજારો દર્દીનાં સગાંએ લાભ ઉઠાવ્યો છે પરંતુ ધીમે ધીમે ઇ-રિક્ષા બગડી જતાં તેને ખૂણામાં ખડકી દેવામાં આવી છે.

જેના કારણે રિક્ષાચાલકોએ લૂંટ મચાવી દીધી છે. અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ૧૧૦ એકરમાં ફેલાયેલી છે જેમાં ૧૪ હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ આવેલાં છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જ્યારે એડમિટ થાય છે ત્યારે તેમનાં સગાંને એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે ચાલીને જવું પડતું હોય છે.

પેસેન્જરોને ચાલીને જવું પડે નહીં તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા મફત ઇ-રિક્ષાની શરૂઆત ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. બેટરી ઓપરેટેડ ઇ-વિહિકલનો શરૂઆતી દિવસોમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ ઇ-રિક્ષાની હાલત એકદમ દયનીય થતી ગઇ.

આજે દિવસ એવો આવી ગયો છે કે ઇ-રિક્ષા ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ભંગારની હાલતમાં છે. આ સ્થિતિનો ફાયદો રિક્ષાચાલકોએ ભરપુર ઉપાડી લીધો છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શટલ રિક્ષા ચાલી રહી છે. જેનાથી તંત્ર વાકેફ છે. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવા માટે પેસેન્જર દીઠ ૧૦ રૂપિયાથી લઇને ૫૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે.

દર્દીનાં સગાંને ચાલીને મેડિકલ કામ માટે જવું પડે નહીં તે માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. રિક્ષાચાલકો પણ ૧૨૦૦ બેડની હોસ્પિટલ હોય કે પછી ઓપીડી હોય કે પછી ટ્રોમા સેન્ટર હોય ત્યાં બહાર ઉભા હોય છે અને દર્દીનાં સગાં આવે તેમને બેસાડી દેતા હોય છે.

જરૂર મુજબ રિક્ષાચાલકો ભાડું વસૂલ કરતા હોય છે. સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ઇન્ચાર્જ કરનલ પ્રધાને જણાવ્યું છે કે રિક્ષાચાલકો બેફામ ભાડું વસૂલ કરે છે જેમને રોકવાની અનેક કોશિશ કરવામાં આવે છે. પહેલાં કરતાં રિક્ષાચાલકો ઓછા થઇ ગયા છે પરંતુ તેઓ દર્દઓનાં સ ગાં પાસેથી લૂંટફાટ કરી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ તરફથી મફત બસ સેવા પણ ચાલુ છે તો દર્દીના સગાં તેમાં જઇ શકે છે. અનેક વખત હોમગાર્ડ તેમજ સિવિલમાં ફરજ બજાવતા જવાનોને આદેશ અપાયા છે કે રિક્ષા ચાલકોને બિનજરૂરી ઊભા રાખવા નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.