અમદાવાદ RTO દ્વારા વાહનોમાં અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે.
થ્રી વ્હીલરમાં GJ01-TJ નવી સિરીઝ તેમજ એલએમ.વી. કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર આગામી તા. ૧૬ નવેમ્બર ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૧૮ નવેમ્બર ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮ નવેમ્બર ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૨૦ નવેમ્બર ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
અરજદારે હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવણું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.