Western Times News

Gujarati News

દેશભરમાં એનઆરસી લાગુ નહીં થાય : ગૃહ રાજ્યમંત્રી

નવીદિલ્હી: દિલ્હીની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી મુદ્દે વિપક્ષનો હોબાળો સતત ચાલી રહ્યો છે. આજે મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તરફથી લોકસભામાં આ બાબતે જવાબ આપવામાં આવ્યો છે.

અહીં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે દેશમાં હાલમાં એનઆરસી લાગુ થશે નહીં.દેશભરમાં એનઆરસી લાગૂ થશે કે નહીં તેને લઈને પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક લેખિત નિવેદન આપ્યું છે જેમાં કહેવાયું છે કે હાલ સુધી દેશભરમાં એનઆરસી લાગૂ કરવાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે વિપક્ષની તરફથી સતત એક જ મુદ્દે પ્રશ્ન થઈ રહ્યો છે અને મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.


લોકસભામાં સાંસદ ચંદન સિંહ, નાગેશ્વર રાવની તરફથી ગૃહ મંત્રાલયે કેટલાક પ્રશ્નો કર્યા હતા. તેમાં શું એનઆરસીને લાગૂ કરવાને માટે સરકાર પગલાં લઈ રહી છે. શું રાજ્ય સરકારે આ માટે ચર્ચા કરી છે? આ સહિત અન્ય પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા.

તેના પર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત નિવેદન આપતા કહ્યું કે હજુ સુધી ભારત સરકારે આખા દેશમાં નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન લાગૂ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નિવેદન આપવાના હતા પરંતુ વિપક્ષના હંગામાને કારણે તેઓ નિવેદન આપી શક્યા નથી.

સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી સ્થગિત કરી હતી. જેના કારણે ગૃહ મંત્રાલય વતી સદને પટલ પર નિર્ણય રજૂ કર્યો હતો.

એ યાદ રહે કે સરકારે આ મુદ્દે અનેકવાર નિવેદન આપીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની કોશિશ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની સયુંક્ત બેઠકને સંબોધતા એનઆરસીનો કોઈ ઉલ્લેખ કર્યો નહતો. જો કે સાત મહિના પહેલા જ તેમણે એ જાહેરાત કરી હતી કે ડેટાબેસ માટે દરેક ભારતીય અંગે ‘પ્રાથમિકતાના આધારે જાણકારી’ ભેગી કરવામાં આવશે.

નવી લોકસભા રચાયા બાદ ૨૦ જૂન ૨૦૧૯ના રોજ કોવિંદે કહ્યું હતું કે ગેરકાયદે ઘૂસણખોરો ભારતની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ છે અને તેનાથી દેશના અનેક ભાગોમાં સામાજિક અસંતુલન વધવાની સાથે જ આજીવિકા સહિતના મુદ્દો પર ખુબ દબાણ છે. તેમણે કહ્યું હતું કે મારી સરકારે એનઆરસીને ઘૂસણખોરી પ્રભાવિત વિસ્તારોમાં પ્રાથમિકતાના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઘૂસણખોરી રોકવા માટે સરહદે સુરક્ષા વધુ ચુસ્ત કરાશે.

એનઆરસીનો અર્થ નેશનલ રજિસ્ટર આૅફ સિટિઝન છે. આ એક એવું રજિસ્ટર છે જેમાં ભારતમાં રહેતા તમામ નાગરિકોની વિગત નોંધાશે. તેની શરૂઆત વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામમાં થઈ હતી. આસામની હાલની સ્થિતિને જોતાં તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૧ આૅગસ્ટ ૨૦૧૯ના રોજ આસામ એનઆરસીની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે.

હાલ એનઆરસી આસામ સિવાય અન્ય કોઈ રાજ્યમાં લાગુ નથી. હવે ગૃહ મંત્રાલયે એવું પણ કહી દીધું છે કે હાલ એનઆરસી લાવવાની કોઈ યોજના નથી. વિપક્ષની તરફથી સતત આ મુદ્દા પર પ્રશ્ન ઉભો કરાઇ રહ્યો હતો અને મોદી સરકાર પર નિશાન સાંધી રહ્યા છે. દેશના કેટલાંય ભાગમાં હાલ નાગરિકતા સંસોધન એકટના મુદ્દા પર પ્રદર્શન ચાલુ છે. સાથો સાથ એનઆરસીને લઇ પણ વિવાદ ચાલી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકાર કેટલાંય મોકા પર કહી ચૂકયું છે કે અત્યારે એનઆરસીને લાગૂ કરવામાં આવી રહ્યો નથી.

પરંતુ વિપક્ષ આ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહી છે.એનઆરસીના વિરોધમાં કેટલીય રાજ્ય સરકારોએ પણ અવાજ ઉઠાવ્યો છે. બિહારમાં નીતીશ કુમાર પણ એલાન કરી ચૂકયા છે કે તેમના રાજ્યમાં એનઆરસી લાગૂ થશે નહીં, જ્યારે તેમની પાર્ટી એનડીએનો હિસ્સો છે. આ સિવાય બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન સહિત અન્ય વિપક્ષી શાસિત રાજ્યોએ એનઆરસી લાગૂ કરવાની ના પાડી દીધી છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારનાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીનાં બહાને કેન્દ્રની બીજેપી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી છે. આસામમાં એનઆરસીનાં કારણે ૧૦૦થી વધારે લોકોનાં મોત થયા છે,

જ્યારે પશ્ચિમ બંગાળમાં ૩૧ લોકોનાં મોત થયા છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે બીજેપી તેનાથી અસહમતી રાખનારા દરેક વ્યક્તિને આતંકિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યનાં નદિયા જિલ્લામાં આયોજિત એક રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું કે, “આસામમાં ૧૦૦થી વધારે લોકોનાં એનઆરસીનાં કારણે મોત થઈ ગયા.

પશ્ચિમ બંગાળમાં ૩૧ અથવા ૩૨ લોકોનાં એનઆરસીનાં ડરથી મોત થયા છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવામાં આવી.” મમતા બેનર્જીએ કહ્યું કે, “બીજેપી તેનાથી અસહમતી રાખનારા વ્યક્તિઓને આતંકિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.” તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકાર નવી કર વ્યવસ્થાથી લોકોને બેવકૂફ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. મમતાએ કહ્યું કે, “હું એ જૂથ સાથે સંબંધ નથી રાખતી જે લોકોમાં ધૃણા ફેલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.