Western Times News

Gujarati News

નિવૃત્ત નાયબ સચિવના પુત્ર નીરવ દવેનું વધુ એક ૭.૬૧ કરોડનું ટેન્ડર કૌભાંડ

મુંબઈ, ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિ. કોર્પાેરેશનના ‘નકલી ટેન્ડર’ બનાવી છેતરપિંડી આચરવામાં માસ્ટર માઇન્ડ નિવૃત્ત નાયબ સચિવના ઠગ પુત્ર નીરવ દવેનું વધુ એક ૭.૬૧ કરોડનું ટેન્ડર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક બિલ્ડર અને તેમના મિત્રો પાસેથી કુલ રૂ. ૭.૬૧ કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાની ચોથી ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે.

સેક્ટર-૨૩માં રહેતા અને પૂર્વ નાયબ સચિવના પુત્ર અને તેના પરિવારે સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું આંતરરાજ્ય કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો એક પછી એક બહાર આવી રહી છે. સેક્ટર ૨૩ પંચવટી પાર્ક સોસા.માં રહેતા મોન્ટુભાઈ ઇન્દુભાઈ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.

તેમને પડોશમાં પ્લોટ નંબર ૬૮૯/૨માં રહેતા નીરવ મહેન્દ્રભાઈ દવેએ પોતાની પેઢી ‘ઓમ એન્ટરપ્રાઇઝ’ દ્વારા વર્ષ ૨૦૧૭માં સરકાર તરફથી ઇલેક્શનમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના શહેરોમાં સીસીટીવી લગાવવાના ટેન્ડર મળ્યાની લાલચ આપી હતી. એટલે મોન્ટુભાઈએ પ્રથમ ૭ લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં જૂનાગઢ જિલ્લામાં પણ ઘરે ઘરે કચરા ટોપલી મૂકવાનું ટેન્ડર લાગ્યાનું કહી નીરવે રૂપિયા લીધા હતા.

આમ વર્ષ ૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન પરિવારે ટુકડે-ટુકડે કરોડો રૂપિયા રોકાણના નામે મેળવ્યા હતા. આ કૌભાંડમાં નીરવ દવેનો પુત્ર યજત દવે અસલી સરકારી પત્રો મેળવી તેને લેપટોપમાં એડિટિંગ કરી સરકારી દસ્તાવેજો પર પોતાની પેઢીનું નામ લખીને ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો અને રોકાણકારોને તે બતાવીને વિશ્વાસમાં લેતો હતો. મોરબી પાલિકાના સ્માર્ટ સિટી વર્ક ઓર્ડરના આધારે મોન્ટુભાઈ પાસેથી એકસાથે ૫૦ લાખ લીધા હતા.

મોન્ટુભાઈના અન્ય મિત્રો અને પરિચિતોએ પણ લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું હતું. દવે પરિવારે મોન્ટુભાઈ પાસેથી રૂ. ૪.૩૬ કરોડ, તેમના મિત્રો પાસેથી રૂ. ૨.૦૧ કરોડ અને અન્ય એક મિત્ર જીતેન્દ્રકુમાર પાસેથી રૂ. ૧.૨૫ કરોડ મળી સાડા સાત કરોડથી વધુની રકમ પડાવી હતી.

જ્યારે મોન્ટુભાઈએ વિવિધ શહેરોની પાલિકાઓમાં તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ પેઢીને ક્યારેય કોઈ ટેન્ડર મળ્યું જ નહોતું.ઠગ દંપતી સામે અગાઉ અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાયા છે. તે ગુનામાં નીરવ દવે જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જ્યારે તેની પત્ની મીરા વોન્ટેડ છે. હવે નીરવના પુત્રની પણ પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.